ચિલોડા સર્કલ નજીકથી દેશી પિસ્તોલ સાથે બે શખ્સો પકડાયા

ગાંધીનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારોની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે ચિલોડા સર્કલ નજીકથી હિંમતનગરના બે ઇસમોને દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડયા હતા અને તેમની પાસેથી બે જીવતા કારતુસ પણ જપ્ત કર્યા હતા. આ સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશનમાં આર્મસ એકટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ત્યારે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી અસામાજીક તત્ત્વો ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઉપર નજર રાખવામાં આવી રહી છે. ગાંધીનગર એલસીબીની ટીમ પણ આ દિશામાં કાર્યરત હતી તે દરમ્યાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે હિંમતનગરથી બે શખ્સો ચિલોડા સર્કલ ઉતરી દહેગામ તરફ જવાના છે અને તેમની પાસે ગેરકાયદેસર હથિયાર છે. જે બાતમીના આધારે આ ટીમે ચિલોડા સર્કલ ઉપર વોચ ગોઠવી હતી અને સાજીદ અલી હૈદરઅલી પઠાણ રહે.પોલો ગ્રાઉન્ડ, ગરીબ નવાઝ મસ્જિદ પાસે, હિંમતનગર તેમજ મહોંમદ નવાજ ખાન આલમખાન પઠાણ રહે.સવગઢ ગામ તા.હિંમતનગરને પકડી પાડયા હતા અને તેમની પાસેથી દેશી બનાવટની લેથ મશીનથી કટ કરેલી પિસ્ટલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા. ૧૦,૨૦૦નો આ મુદ્દામાલ જપ્ત કરીને ચિલોડા પોલીસે આર્મસ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઇસમો આ હથિયાર કયાંથી લાવ્યા હતા અને તેનો શું ઉપયોગ કરવાના હતા તે જાણવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *