કરજણના બે કોન્સ્ટેબલો સહિત ત્રણ રૂ.૨૦ હજારની લાંચ લેતા પકડાયા

કરજણ ટોલનાકા પાસે ભેંસો સહિત મુંગાપશુઓ ભરેલી ટ્રક રોક્યા બાદ ગુનો દાખલ નહી કરવા માટે કરજણ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ રૂ.૧૦ હજારની લાંચ સ્વીકાર્યા બાદ આજે ફરી રૂ.૨૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ પકડાઈ ગયા હતાં. એસીબીએ બંને પોલીસ કર્મચારીઓ તેમજ ખાનગી વ્યક્તિ સહિત ત્રણેની અટકાયત કરી છે. કરજણ ટોલનાકા નજીક થોડા દિવસો પહેલા ત્યાંથી પસાર થતી એક ટ્રકને કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય ઇશ્વરભાઇ માછી અને વિક્રમ મનહર કપ્તાનએ રોકી હતી. આ ટ્રકમાં ભેંસો અને પાડા હોવાથી બંને કોન્સ્ટેબલોએ ટ્રકના ચાલકને દમ મારી કતલખાને લઇ જાય છે તારી સામે કેસ કરવો પડશે તેવી વાત કરી હતી જો કે બાદમાં ભેંસો અને પાડા ભરેલી ટ્રકના ચાલક તેમજ અન્ય સામે કેસ નહી કરવા માટે બંને કોન્સ્ટેબલોએ રૂ.૩૦ હજારની માંગણી કરી હતી. આ રકમ પૈકી રૂ.૧૦ હજાર વિક્રમને જે-તે સમયે આપ્યા હતાં તેમજ બાકીની રકમ મંગળ અથવા બુધવારે આપી જવા જણાવ્યું હતું. દરમિયાન આ બાબતે નર્મદા ભવનના સાતમા માળે આવેલી એસીબીની કચેરીમાં ફરિયાદ થતાં મદદનિશ અધિકારી પી.એમ. પરમારના માર્ગદર્શન મુજબ પીઆઇ એસ.પી. કહાર તેમજ સ્ટાફના માણસોએ આજે બપોરના અરસામાં લાંચનું છટકું કરજણ હાઇવે પર આવેલી મોતી મહેલ હોટલ ખાતે ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ લાંચની રૂ.૨૦ હજાર રકમ બંને કોન્સ્ટેબલોના પંટર સંદીપ કમલેશભાઇ ભટ્ટને આપી હતી અને બાદમાં મોબાઇલ પર લાંચની રકમ મળી ગઇ છે તેવી વાત સંદીપ ભટ્ટે બંને કોન્સ્ટેબલો સાથે કરી હતી. દરમિયાન એસીબીની ટીમે તુરંત જ સંદીપ ભટ્ટને પ્રથમ પકડી પાડયો હતો અને બાદમાં બંને કોન્સ્ટેબલોની પણ અટકાયત કરી હતી. એસીબીએ ત્રણે સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *