નંબરપ્લેટો કાઢી નાખી તસ્કરીની બાઈક ફેરવતો વાહનચોર પકડાયો

વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનની હદમાંથી તસ્કરી કરેલી બાઈકની આગળ-પાછળની નંબરપ્લેટો કાઢી નાખી તેને શહેરમાં જ ફેરવી રહેલા ઉત્તરપ્રદેશના યુવકને મકરપુરા પોલીસે પકડી પાડી વાડી પોલીસના હવાલે કર્યો હતો. એક પરપ્રાંતીય યુવક તસ્કરીની બાઈક લઈને ફરતો હોવાની અને તે તરસાલી ધનિયાવી રસ્તા પરથી પસાર થવાનો છે તેવી માહિતીના પગલે મકરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ગત સાંજના અરસામાં તરસાલી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. મોડી સાંજના અરસામાં માહિતી અનુસાર એક યુવક નંબરપ્લેટો કાઢી નાખેલી બાઈક લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ યુવક મુળ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના ખેડિયાગામનો વતની અને હાલમાં તરસાલીના વિશાલનગરમાં રહેતો બનવારી રામદેવ શર્મા હોવાની તેમજ તેની પાસેની બાઈક વાડી પોલીસ સ્ટેશનની હદમાંથી બે વર્ષ પહેલા તસ્કરી થયાની વિગતો મળી હતી. પોલીસે બનવારી શર્માની બાઈક તસ્કરીના ગુનામાં ધરપકડ કરી હતી. મકરપુરા પોલીસે તેની પાસેથી ૨૦ હજારનું બાઈક  જપ્ત કરી તેને બાઈક સાથે વાડી પોલીસને સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *