સોખડામાં બૂટલેગરના ઘરના ભોયરામાં છુપાવેલો શરાબ ઝડપાયો

સોખડાના બૂટલેગરના ઘરના રસોડાની નીચે જમીનમાં ૧૦ બાય ૧૦ ફૂટના ભોયરામાં છુપાવેલો દોઢેસો પેટી શરાબ પોલીસે રવિવારે બપોરના અરસામાં પકડયો હતો. વડોદરા તાલુકા પોલીસે બુટલેગરની પત્નીની અટક કરી ૭.૨૦ લાખનો શરાબ, ત્રણ વાહનો, મોબાઇલ અને રોકડા મળી કુલ રૂ.૧૬.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેર નજીક સોખડા ગામમાં જલારામનગર સોસાયટીમાં રહેતા લાલા રમેશભાઇ માળીના ઘરમાં શરાબનો જથ્થો છુપાવ્યો હોવાની માહિતી તાલુકા પોલીસને મળી હતી. પોલીસની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતાં લાલ માળી ઘરે મળી આવ્યો ન હતો. પોલીસે ઘરની જડતી કરતાં રસોડાના ભાગે ફર્નિચર નીચે જમીનમાં ૨ બાય ૨ ફૂટનું લોખંડના દરવાજો મળ્યો હતો. લોખંડના દરવાજો ખોલતા અંદર ૧૦ બાય ૧૦ ફૂટનું ગોડાઉન હોવાની જાણ થતાં એક તબક્કે પોલીસ પણ ચોકી ઉઠી હતી. ગોડાઉનથી અંદર તપાસ કરતાં પોલીસને ભારતીય બનાવટના વિદેશી શરાબની ૪,૫૧૨ બોટલો મળી હતી. ભોયરાના ઉપરના ભાગે ફર્નિચરના ડ્રોઅરમાં કુલ ૬૬,૨૬૬ રૂપિયા રોકડા મળી આવ્યાં હતાં. આ ઉપરાંત લાલા માળીનું આઇટી રિર્ટન, લાઇટ બિલ, આરસી બુક અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યાં હતાં. બીજી તરફ, મકાનની બહાર પતરાના શેડમાં પાર્ક બોલેરો પીકઅપમાંથી પોલીસને શરાબની ૨,૦૧૬ બોટલો મળી, ર્સ્કોપિયો કારમાંથી પણ ૪૮ પેટી અને એક્ટિવાના ડેકીમાંથી ૪૮ નંગ બોટલો મળી આવી હતી. તાલુકા પોલીસે વર્ષાબેન લાલાભાઇ માળીની અટક કરી, જ્યારે તેના ફરાર પતિની તપાસ હાથ ધરી છે. લાલાના મકાનમાંથી પોલીસે કબ્જે કરેલી બોલેરો અતુલ દિલીપભાઇ પરમારના નામે છે. લાલાએ અઠવાડીયા પહેલા આઇશર ટેમ્પો ભરી શરાબનો જથ્થો મંગાવ્યો હતો. બોલેરો પીકઅપ, ર્સ્કોપિયો અને એક્ટિમાં ભરેલો દારૃના જથ્થાની ડિલવરી થાય તે પહેલાં જ પોલીસે ઝડપી લીધો હતો. લાલાએ ચૂંટણી માટે શરાબ મંગાવ્યો હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *