યોગીચોકમાં OTSની ગ્રીલ ઉખેડી 40 તોલા દાગીના સહિત રૂ.10.87 લાખની તસ્કરી

સુરત, સરથાણા યોગીચોકના રો-હાઉસમાં હીરાના કારખાનેદારના પરિવારજનો સુરતમાં જ રહેતા સબંધીને ત્યાં રહેવા ગયા ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસી ૪૦ તોલા સોનાના દાગી અને રોકડા રૂ.૪૭,૦૦૦ મળી કુલ રૂ.૧૦.૮૭ લાખની મત્તાની તસ્કરી કરી ગયા હતા. તસ્કરીમાં કોઇ જાણભેદુનો હાથ હોવાની શક્યતાના આધારે કાર્યવાહી શરૂ કરાઇ છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક ચાર રસ્તા નજીક તુલસી રો હાઉસ ઘર નં. ૧૯ માં રહેતા સંજયભાઈ ધીરૂભાઈ અકબરી ખોડીયાર નગર રોડ બજરંગ નગર ૧ હરિઓમ એપાર્ટમેન્ટના પહેલા માળે ખોડીયાર લેસરના નામે હીરા કટિંગનું કારખાનું ધરાવે છે. સવારના અરસામાં તેમના પત્ની મનીષાબેન બાળકો અને ભાઈના પરિવાર સાથે સુરતમાં રહેતા એક સંબંધીને ત્યાં રહેવા ગયા હતા. સંજયભાઈ ઘરને તાળુ મારી કામ ઉપર જતા હતા અને જમવા તેમજ સુવા માટે ઉમિયાધામમાં રહેતા સાળાને ત્યાં જતા હતા. દરમિયાન, આજે સવારના અરસામાં પત્ની ઘરે પહોંચી ત્યારે ઘરમાં તસ્કરી થયાની જાણ થતા પતિને પણ બોલાવી લીધા હતા. તસ્કરો ઘરની અગાસી પર ચઢી ઓટીએસની લોખંડની ગ્રીલ ઉખેડી તેમાંથી ઉતર્યા હતા અને બેડરૂમમાં સેકશની બારી તોડી ઘૂસ્યા હતા. અને કબાટ તેમજ પેટી પલંગમાંથી અંદાજીત રૂ.૧૦.૪૦ લાખની કિંમતના ૪૦ તોલા સોનાના દાગીના અને રોકડા રૂ.૪૭,૦૦૦ મળી કુલ રૂ.૧૦.૮૭ લાખની મત્તાની તસ્કરી ગયા હતા. સરથાણા પોલીસને ફરિયાદ કરતા કોઇ જાણભેદુનો હાથ હોવાની શંકાના આધારે કાર્યવાહી શરૂ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *