વડોદરા, ગોરવા વિસ્તારમાં ચાલતી જતી મહિલાને સરનામું પૂછવાના બહાને બાઈક પર આવેલા બે શખ્સોએ નિશાન બનાવી ગળામાંથી સોનાનો છોડો તોડી લીધો હતો. બનાવ અંગે ગોરવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે શહેર પાસેના ધરમપુર ગામે રહેતા ઈન્દીરાબેન પરમાર સવારના અરસામાં ઘરેથી નીકળી સોસાયટીના બંગલાઓમાં કામ કરવા માટે ગયા હતા. ત્રણ બંગલાઓમાં કામ પૂરું કરીને તેઓ પાછા ચાલતા ચાલતા ઘરે આવતા હતા. ત્યારે બપોરના અરસામાં સરદારસિંહ રાણા પ્રાથમિક શાળા નજીકથી પસાર થતા હતા. તે વખતે સામેથી બાઇક પર આવેલા બે શખ્સોએ તેમની પાસે બાઈક ઉભી રાખી હતી અને માસી ઇલોરાપાર્ક કઈ બાજુથી જવાનું તેમ પૂછયું હતું. જેથી ઇંદિરાબેન આ બંને બાઇક સવારને ઇલોરાપાર્ક તરફ જવાનો રસ્તો બતાવતા હતા. તે દરમિયાન બાઈકની પાછળ બેસેલા અને ઓરેન્જ કલરનું શોર્ટ પહેલા શખ્સએ ઇન્દિરાબેનના ગળામાંથી સોનાનો અછોડો પેન્ડલ સાથેનું આજકીને તોડી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા. ઈન્દીરાબેન બૂમો પાડતા પાડતા તેઓની પાછળ દોડ્યા હતા પરંતુ બાઈક સવાર શખ્સો ફરાર થવામાં સફળ થયા હતા. 32 હજાર રૂપિયાના અછોડાની લૂંટ કરીને ફરાર થયેલા શખ્સોની ગોરવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.