મોરબી સોની પરિવાર લગ્નમાં ગયોને તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત રૂ.૪.પ૦ લાખની મતાની તસ્કરી કરી ગયા. મોરબીમાં સોની પરિવાર માત્ર એક દિવસ માટે લગ્નમાં ગયો હતો. અને તેના બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૪.પ૦ લાખની મતાની તસ્કરી કરી ગયા. જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના નવલખી રસ્તા પર આવેલ કુબેરનગરમાં હનુમાનજીના મંદિર નજીક આવેલ નિતીવન ફલેટમાં રહેતા ફરીયાદી કૌશિકભાઇ હરિભાઇ પાટડીયા સોની ગત સવારના અરસામાં અન્ય જગ્યાએ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પરિવારજનો સાથે પોતાનું રહેણાંક-મકાન બંધ કરી ગયા હતાં. અને રાત્રિના અરસામાં પાછા ફર્યા હતાં. દરમિયાનમાં જોયું તો અજાણ્યા તસ્કરો તેમના મકાનના પાછલા દરવાજેથી પ્રવેશી, ઘરમાં રાખેલ કબાટ તોડી નાખી તેમાં રાખેલા રૂ.૪.ર૦ લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ.૩૦ હજાર રોકડા ઉપાડી ગયા હતાં. કૌશિકભાઇએ પોલીસને જાણ કર્યા બાદ ફરીયાદ લખાવતા પોલીસે કાર્યવાહી આદરી છે.