ટેમ્પોમાં ગુપ્ત ખાનામાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો પકડાયો

હાલોલ-વડોદરા હાઇવે પર ખંડીવાડા ગામ નજીક એક આયશર ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ખાનામાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. જો કે રાતત્રિના અરસામાં પોલીસ ચેકીંગ જોઇ ચાલક તેમજ અન્ય બે વ્યક્તિઓ ફરાર થઇ ગઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ખંડીવાડા ગામ નજીક મેન્ગો ઓર્ચીડ પાસે વાઘોડિયા પોલીસના સ્ટાફના માણસો દ્વારા ગત રાત્રિના અરસામાં વાહનોનું ચેકીગ ચાલતું હતું ત્યારે એક આયશર ટેમ્પોના ચાલકે પોલીસ ચેકીંગથી થોડે દુર ટેમ્પો ઉભો રાખ્યો હતો અને ચાલક તેમજ અન્ય બે વ્યક્તિઓ નજીકના ખેતરમાં ભાગી હતી જો કે પોલીસની નજર પડતા પોલીસના માણસોએ પણ તેમનો પીછો કર્યો હતો પરંતુ ત્રણે અંધારામાં ફરાર થવામાં સફળ રહ્યા હતાં. વડોદરા પાસિંગના આ ટેમ્પામાં પોલીસે તપાસ કરતાં કેબીન તેમજ પાછળની બોડીના ભાગે એક ગુપ્ત ખાનું બનાવ્યું હોવાનુ જણાયું હતું. આ ખાના પરનું પતરાનું ઢાંકણું ખોલતા અંદરથી દારૂની ૮૪૦ બોટલો મળી હતી. પોલીસે રૂ.૪.૨૦ લાખ કિંમતનો દારૂનો જથ્થો, ટેમ્પો મળી કુલ રૂ.૮.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂના જથ્થા અંગે વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *