ડાલામાં સંતાડીને લવાતો 1.11 લાખનો વિદેશી દારૂ પકડાયો

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે દહેગામ પોલીસે રાત્રિના અરસામાં બાતમીના આધારે દહેગામ બાયડ ત્રણ રસ્તા પાસેથી પીકઅપ ડાલાને પકડી લીધું હતું અને તેમાં સંતાડીને લવાતો દારૂ બિયરના ૧.૧૧ લાખના જથ્થા સાથે ઉદયપુરના બુટલેગરને પકડી પાડી કુલ ૪.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. તો બીજી બાજુ પેથાપુર પોલીસે પણ બિયરના ૧પ ટીન સાથે માણસાના યુવાનને પકડયો છે.જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર ઉપર નજર રાખી બુટલેગરો ઉપર કડક હાથે કામ લેવા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે રખિયાલ તરફથી ડાલામાં પરપ્રાંતનો વિદેશી દારૂ બિયર સંતાડીને લવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દહેગામ બાયડ ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી અને બાતમીવાળુ ડાલુ નંબર જીજે ૦૯ એયુ ૨૩૭૭ આવતાં તેને પકડી પાડી તેમાં સવાર બે ઇસમો નાસવા લાગ્યા હતા. જે પૈકી પોલીસે પીછો કરીને દીપકસિંહ દેવસિંહ દેવરા રહે.ઉદયપુર સીટીને પકડી પાડયો હતો અને ડાલામાં તપાસ કરતાં પાછળના ભાગે બનાવેલા ખાનામાંથી ૧૦૮ નંગ બિયર અને ૧૬૯ નંગ દારૂની બોટલ મળી કુલ ૧.૧૧ લાખનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે ડાલા સહિત અન્ય ચીજવસ્તુ મળી કુલ ૪.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ પેથાપુર પોલીસે વાહનચેકીંગ દરમ્યાન બિલોદરા માણસાના યુવરાજસિંહ દીલીપસિંહ ચાવડાને ૧પ બીયરના ટીન સાથે પકડી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *