ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં નાના પાદરમાં આવેલા અબ્દુલ અઝીઝ જેટના મકાનને ગતરાત્રીનાં અરસામાં તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની મતાની તસ્કરી કરી ફરાર થઇ જતાં પાલેજ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તસ્કરી સંદર્ભે પોલીસ ફરિયાદ લખાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પ્રાપ્ત વિગતો મુજબ પાલેજ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવેલા ભરૂચના ટંકારિયા ગામમાં રહેતા અબ્દુલ અજીજ જે કે જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે હાલ રમઝાન માસ ચાલતો હોઇ તેઓ ગત રાત્રીના અરસામાં અબ્દુલ અજીજ તરાવીહની નમાજ અદા કરવા માટે મસ્જિદમાં ગયા હતા. જ્યારે અબ્દુલભાઇના પરિવારના સદસ્યો તેઓના નજીકમાં રહેતા સ્વજનોને ત્યાં મકાન બંધ કરીને ગયા હતા. ત્યારે અબ્દુલ અઝીઝ ભાઇના મકાનના ધાબા પરથી કેબિનના દરવાજાનો નકુચો તોડી કોઇ અજાણ્યા ચાર શખ્સોએ નીચે મકાનના દાદર ઉતરી મકાનના રૂમમાં પ્રવેશી કબાટ તોડી કબાટમાં પડેલા રોકડા રૂપિયા પંચાણુ હજાર તથા સાડા સાત તોલા સોનાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે અબ્દુલભાઇના પરિવારના સદસ્યોએ ઘરમાં આવીને બધુ વેરવિખેર પડેલું જોયું તો તેઓના પગ નીચેથી ધરતી ખસી જવા પામી હતી. તસ્કરી થયાની જાણ પાલેજ પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તજવીજના ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવાઇ છે. પરંતુ હજુ સુધી તસ્કરોનું પગેરૂ મળી શક્યું નથી. હવે જોવાનું એ રહ્યું કે સમી સાંજના અરસામાં ટંકારીયા ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ધરફોડ તસ્કરીને અંજામ આપી લાખોની મતાની તસ્કરી કરી ફરાર થઇ જનાર તસ્કરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા ક્યારે મળશે ? તે તો આવનાર સમય જ બતાવશે.