અંજાર-મુન્દ્રા માર્ગે હીટ એન્ડ રન બાઈક સવાર ૩ યુવાનોના મૃત્યુ

અંજાર : તાલુકાના અંજારથી મુન્દ્રા જતા નેશનલ હાઈવે ઉપર ગત રાત્રિના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ આશાસ્પદ યુવાનો યમદુના કોળીયો બની ગયા હતા. સિનુગ્રા ગામે રહેતા યુવાનો ચા પીવા માટે મોટર સાયકલથી જતા હતા. ત્યારે ચાંપલ માતાજીના મંદિર સામે માતેલા સાંઢની માફક આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા કરૂણાંતિકા સર્જાઈ હતી. જેમાં બે યુવાનોના સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યાં હતા. જયારે અન્ય એકનું સારવાર દરમ્યાન પ્રાણપંખેરૂ ઉડી જવા પામ્યું હતું. સિનુગ્રા ગામના આશાસ્પદ યુવાનોના મૃત્યુથી પરિવારજનો તેમજ ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોઝારા અકસ્માતનો બનાવ રાત્રીના અરસામાં અંજાર-મુન્દ્રા હાઈવે ઉપર આવેલ ચાંપલ માતાજીના મંદિર નજીક બનવા પામ્યો હતો. અંજાર તાલુકાના સિનુગ્રા ગામે રહેતા વિરેન્દ્ર ઉર્ફે વિનોદ નાનજી માતંગ (ઉ.વ.ર૪) તથા અશ્વિન મણીલાલ ડોરૂ (ઉ.વ.૧૮) અને નિતીન રતનશી દેવળીયા (ઉ.વ.૧૮) ત્રણેય જણા મોટર સાયકલ નંબર જીજે  ૧ર બીઈ ૧૮૧૪ ઉપર સિનુગ્રાથી નિકળી હાઈવે ઉપર ચા પિવા જતા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેંટે લઈ રસ્તા પર ફંગોળી દઈ વાહન ચાલક વાહન લઈ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા અશ્વિન અને નિતીનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યાં હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલ વિરેન્દ્રને ૧૦૮ દ્વારા અંજાર સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરાયો હતો જયાં સારવાર દરમ્યાન વિરેન્દ્રએ પણ દમ તોડી દીધો હતો. ગોઝારા એકસીડેન્ટના બનાવની જાણ અંજારના પી.આઈ.બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે. જાડેજા તાબડતોબ હોસ્પિટલ ઘૂસી ગયા હતા અને ત્રણેય મૃતદેહોના પી.એમ. કરાવી તેમના પરિવારજનોને સોંપવા અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા સહિતની તપાસ હાથ ધરી હતી. નાનકડા સિનુગ્રા ગામના ત્રણ ત્રણ આશાસ્પદ યુવાનો માર્ગ અકસ્માતમાં યમદુતનો કોળીયો બની જતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *