રાજકોટમાંથી વિદેશી શરાબ ભરેલી કાર સાથે કેશોદનો ઈસમ પકડાયો

રાજકોટમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમ્યાન મોડીરાત્રીના અરસામાં બી-ડીવીઝન પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી વિદેશી શરાબનો જથ્થો ભરેલી કાર સાથે કેશોદના પ્રજાપતિ ઈસમને પકડી પાડી આકરી પુછપરછ કરતા કડીયા કામ અને સેન્ટ્રીંગનું કામ કરતા ઈસમને છેલ્લા કેટલાક સમયથી કામ મળતું ન હોય દમણથી વિદેશી શરાબ લાવી વેચવાનો ધંધો શરૂ કર્યાની કબુલાત આપતા પોલીસે તેની અટકાયત કરી શરાબ, મોબાઈલ, કાર મળી રૂ.૩.૯૬ લાખની મત્તા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગ્રીનલેન્ડ ચોકડી નજીક વાહન ચેકીંગ દરમ્યાન બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે.ફર્નાન્ડીઝની સુચનાથી પીએસઆઈ વી.કે.ઝાલા, કે.યુ.વાળા, ખોડુભા, અમૃતભાઈ, જે.વાય.ગોહેલ સહિતના સ્ટાફે શંકાસ્પદ કાર નંબર જીજે ૧ કેએલ ૨૬૨૨ના ચાલકને અટકાવી પુછપરછ કરતા તે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વેરાવળ રસ્તા પર રહેતો દીપક લીલાધર વાછાણી નામનો પ્રજાપતિ ઈસમ હોવાનું જણાવતા પોલીસે તલાશી લેતાં તેની પાસેથી બે લીટર વિદેશી શરાબની ૨૮ બોટલ તથા ૪૭ બોટલ બ્લેન્ડરની મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કાર, શરાબ, મોબાઈલ મળી કુલ રૂ.૩.૯૬ લાખની મત્તા જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક પુછપરછમાં કેશોદમાં કડીયા કામ અને સેન્ટ્રીંગનું કામ કરતો દીપક પ્રજાપતિને છેલ્લા કેટલાક સમયથી કામ મળતું ન હોય દમણના સેલવાસમાંથી આ શરાબનો જથ્થો વેચવા માટે કેશોદ લઈ જતો હોવાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *