ચોટીલા તાલુકાના લોમાકોટડી ગામની સીમમાંથી બામણબોર પોલીસે સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની કુલ ૮૦ બોટલો જપ્ત કરી હતી. જ્યારે આ બનાવમાં રાજકોટના એક શંકુને પોલીસે પકડી લીધો હતો. અને એક શંકુ નાસી ગયો હતો. પોલીસે દારૂ કાર સહિત કુલ રૂ.૮૨,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ચોટીલા તાલુકાના બામણબોરના પીએસઆઇ સી.પી. રાઠોડ, માલાભાઇ તથા સ્ટાફે દારૂની બાતમીના આધારે ચોટીલા તાલુકાના લોમાકોટડીની સીમમાં વોચ શરૂ કરી હતી. ત્યારે સીમમાં એક કારની તલાશી લીધી હતી. આ સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની ૮૦ બોટલો સાથે રાજકોટના રોહીદાસ પરામાં રહેતો ગૌતમ ઉર્ફે કાળો હીરાભાઇ સારેસાને પકડી પાડી કાર દારૂ સાથે કુલ રૂ.૮૨,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ માલ રાજકોટ પહોંચાડાઇ રહ્યો હતો. જ્યારે પોલીસના દરોડા દરમ્યાન મુળ ચોટીલા તાલુકાના ગુંદા ગામનો અને હાલ રાજકોટ માંડા ડુંગર વિસ્તારમાં રહેતો ભાવેશ દેહાભાઇ ડાભી નાસી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.