શહેરના કાળિયાબીડમાં તસ્કરોનો તરખાટ, રોકડ-દાગીનાની તસ્કરી

ભાવનગર, શહેરના કાળિયાબીડ વિસ્તારમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી બે દિવસમાં ઘરફોડ તસ્કરીની બે ઘટનાને અંજામ આપ્યો છે. રત્નકલાકાર યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યોની પોલીસ ચોપડે ફરિયાદ લખાવાઈ છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાળિયાબીડ, અક્ષરપાર્ક-રમાં પ્લોટ નં.૨૩૭૪માં રહેતા અને હીરા ઘસવાનો વ્યવસાય કરતા ગોરધનભાઈ પ્રેમજીભાઈ સોનગરા (ઉ.વ.૪૫)ના રહેણાંક બંધ મકાનમાં ગઈકાલથી આજ સવારના અરસામાં કોઈ અજાણ્યા ઇસમોએ તાળા તોડી અંદર પ્રવેશી કરી શેટીની તિજોરીમાં રાખેલ બુટ્ટી નં.૧, આશરે ૫૦૦ ગ્રામ વજનના જૂના ચાંદીના તૂટેલા છડા, પોચી, કંદોરો, કડી, કડલા, ચાંદીના સિક્કા અને રોકડ રકમ ૨૫,૦૦૦ મળી કુલ રૂ.૫૦,૦૦૦ની માલમત્તાની તસ્કરી કરી તસ્કરો નાસી ગયા હતા. આ બનાવ અંગે ગોરધનભાઈ સતવારાએ સ્થાનિક નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. નોંધનિય છે કે, કાળિયાબીડ વિસ્તારમાં જ સાંકેત કોમ્પલેક્ષના ત્રીજા માળે એક બંધ ફ્લેટને ડુપ્લીકેટ ચાવીથી ખોલી તસ્કરોએ પોણા બે લાખની તસ્કરી કરી હતી. કાળિયાબીડમાં વધતા જતાં તસ્કરીના બનાવોને લોકોમાં ફફડાટ ફેલાયો છે. તસ્કરોને પકડવા પોલીસે સતત નાઈટ પેટ્રોલીંગ કરવું જોઈએ તેવી કાળિયાબીડ વિસ્તારના લોકોની લાગણી અને માગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *