ભુજ માધાપર હાઇવે પર દિપક પેટ્રોલ પંપની સામેની ગલીમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે રેડ પાડીને ત્રણ ઇસમને 2,750 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુગાર પર દરોડો સાંજના અરસામાં પાડવામાં આવ્યો હતો. ગંજીપાના વડે હારજીતનો દાવ રમી રહેલા હિતેન્દ્રભાઈ દુર્ગાદાસ ભટ્ટ, આરબ ઇભલા શેઠ અને મામદ હુશેન જુગાર રમતા રંગે હાથે પકડાઈ ગયા હતા. પોલીસે તેમના કબજામાંથી 2,750 ની રોકડ જપ્ત કરીને ત્રણે સામે જુગારધારાની કલમ તળે હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાએ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી હોવાનું પીએસઓ અશોકભાઇ બારોટે જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, માધાપર હાઇવે પર દિપક પેટ્રોલ પંપ સામેની ગલીમાં અવાર નવાર જુગારના હાટડાઓ લાગે છે. પરંતુ ભાગ્યેજ પોલીસના હાથે શખ્સો પકડાતાં હોય છે.