ભંગારના સામાનની આડમાં ટ્રકમાં લઇ જવાતો 18 લાખનો શરાબ પકડાયો

વાપીના મોરાઈ ચેકપોસ્ટ પર બાતમીના આધારે ભંગારના માલસામાનની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂ.૧૮ લાખનો શરાબનો જથ્થો પોલીસે પકડી લીધો હતો. કુલ રૂ.૨૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમની અટક કરી એક ઈસમને વોન્ટેડ જાહેર કરાયો છે. માલ ભરાવનાર ઇસમે બારડોલી પહોંચ્યા બાદ જથ્થો કયા ઉતારવા તે અંગે ફોન પર જાણકારી આપવા જણાવ્યું હતું. વાપી ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે રાત્રિના અરસામાં વાપીના મોરાઈ ગામે ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને અટકાવી હતી. ટ્રકમાં તલાશી કરતા આગળના ભાગે ભંગારનો જથ્થો ભરેલો મળી આવતા પોલીસ મુઝવણમાં મુકાઈ હતી. જોકે, સઘન તલાશી કરતા પાછળના ભાગે સંતાડેલી શરાબની ૬૨૪ પેટીઓ મળી આવી હતી. ટ્રકમાંથી શરાબની પેટીઓ ઉતાર્યા બાદ હાથ ધરેલી ગણતરીના અંતે રૂ.૧૮.૧૮ લાખની કિંમતની ૨૪,૪૮૦ નંગ નાની મોટી બોટલો, ટ્રક, ભંગારનો જથ્થો સહિત કુલ રૂ.૨૯.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમો હરીશ માધાભાઈ ગોહેલ અને ઉમર નાથુભાઈ ચાનયા (બંને રહે.જામનગર)ની અટક કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં દમણથી વિષ્ણુ નામના ઇસમે શરાબ ભરાવી ચાલકને બારડોલી પહોંચ્યા બાદ જથ્થો કયા ઉતારવાનો તે અંગે ફોનથી જાણકારી આપવા જણાવ્યું હતું. પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વિષ્ણુને વોન્ટેડ જાહેર કર્યો છે.







Leave a Reply

Your email address will not be published. Required fields are marked *