સ્પોર્ટસ ક્લબના ઓથા હેઠળ ચાલતું જુગારધામ ઝડપાયું 12 શખ્સો પકડાયા

ગાંધીનગર જિલ્લામાં હાલ દારૂ જુગારની પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે માણસાના લાકરોડામાં જયદાદા સ્પોર્ટસ ક્લબના ચાલતાં મસમોટા જુગારધામને પકડી પાડયું હતું અને ૧ર શખ્સોને જુગાર રમતાં પકડી પાડી તેમની પાસેથી ૪૩,૯૭૦ની રોકડ, ૧૧ મોબાઈલ અને પાંચ વાહનો મળી કુલ પ.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારધામ ચલાવતો માણસાનો લીસ્ટેડ બુટલેગર હાથ આવ્યો ન હોતો. જેને શોધવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે. રાજયમાં એક અઠવાડીયા સુધી દારૂ જુગારની બદીને ડામવા માટે રાજય પોલીસ વડાએ આપેલી સુચનાના પગલે જિલ્લા પોલીસ દ્વારા પણ આ બદીને અટકાવવા દોડધામ કરાઈ રહી છે. એલસીબી પીઆઈ નીરજ પટેલે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી જુગારના કેસો કરવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન કો.અનોપસિંહને બાતમી મળી હતી કે લાકરોડા ગામની સીમમાં આવેલા જયદાદા સ્પોર્ટસ ક્લબનું સંચાલન કરતો જયદીપસિંહ પૃથ્વીસિંહ ચાવડા અને ક્લબના માલિક કાળુસિંહ પ્રતાપસિંહ રાઠોડ રહે.લોદરા સ્પોર્ટસ ક્લબના ઓથા હેઠળ ક્લબમાં બહારથી વ્યક્તિઓને બોલાવી હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે આ પોલીસ ટીમે રેડ પાડતાં રાજુસિંહ પ્રવિણસિંહ ચાવડા, અજયકુમાર કાંતિભાઈ રાવળ, વિજાપુર, મહેન્દ્રસિંહ અમરસિંહ સોલંકી, વિષ્ણુભાઈ હરીભાઈ પટેલ, અંબિકાનગર, લાલાભાઈ પુંજીરામ પટેલ, પાંજરાપુર ચોક, માણસા, મહેશકુમાર સોનાજી મકવાણા, જયદીપસિંહ પૃથ્વીસિંહ ચાવડા, રાકેશકુમાર કાળુભાઈ સીંધી, અલકાપુરી સોસાયટી, માણસા, અરૂણભાઈ હરગોવનદાસ પટેલ, રાજુજી બળદેવજી ઠાકોર, માણસા, રવિ ઉર્ફે રઘો દીલીપભાઈ મોચી, માણસા, સંજયકુમાર નરેન્દ્રભાઈ નાયક, જૈન દેરાસરનીબાજુમાં વિજાપુરને જુગાર રમતાં પકડી પાડયા હતા. જયારે આ જુગારધામનો મુખ્ય સુત્રધાર માણસા પોલીસ સ્ટેશન વિસ્તારનો લીસ્ટેડ બુટલેગર કાળુસિંહ પ્રતાપસિંહ રાઠોડ હાથ આવ્યો ન હોતો. પોલીસે આ જુગારધામ ઉપરથી સાધન સામગ્રી ઉપરાંત ગંજીપાના, પ્લાસ્ટિકના કોઈન, ૧૧ મોબાઈલ, પાંચ વાહનો અને રોકડ ૪૩,૯૭૦ મળી કુલ પ,૩૬,૪૭૦નો મુદ્દામાલ જપ્ત કરી માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો લખાવયો હતો. છેલ્લા ઘણા સમયથી સુવ્યવસ્થિત રીતે જુગારધામ ચાલતું હોવાછતાં માણસા પોલીસને તેની ગંધ સુધ્ધા પણ આવી નહોતી અને ગાંધીનગરથી એલસીબીને દરોડો કરવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *