આપણી શાળા – આપણું સ્વાભિમાન” અભિયાનથી કચ્છમાં શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ: જિલ્લાભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ થયા સંકલ્પબદ્ધ

સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ…

ભુજ-કચ્છ;
તા.૦૩/૦૯/૨૫

ક્ચ્છ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના “આપણી શાળા – આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત પ્રાર્થનાના સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંયુક્તપણે પાંચ મહત્વપૂર્ણ સંકલ્પો લઈ અભિયાનનો વિધિવત પ્રારંભ કરાયેલ હતો.

આ અભિયાન હેઠળ ભુજની ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત જિલ્લાના કક્ષાના કાર્યક્રમમાં કચ્છના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ખાસ પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતી.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલા સંકલ્પોમાં શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક બનાવવી, શાળાની મિલકતને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવું, શિક્ષણને ચારિત્ર નિર્માણ અને સમાજસેવાનો આધાર બનાવવો, ભાઈચારો અને સમરસતાનો ભાવ તથા શાળાને તીર્થસ્થાન રૂપે માન્યતા આપવી જેવા સંદેશો સમાવિષ્ટ હતા.

આ અભિયાનના માધ્યમથી શાળાને માત્ર શિક્ષણનુ કેન્દ્ર જ નહિ, પરંતુ સંસ્કાર, સેવા અને સમર્પણનું કેન્દ્રબિંદુ બનાવવાનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાની ભૌતિક મિલકત પ્રત્યે ભાવનાત્મક જોડાણ ઉત્પન્ન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લાની વિવિધ શાળાઓમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેરક વક્તા તરીકે વિવિધ તાલુકાઓમાં મુરજીભાઈ ગઢવી, રાખીબેન રાઠોડ, જગદીશભાઈ બરાડીયા, જયદીપભાઈ સોલંકી, હરેશભાઈ ત્રિવેદી, જીગરભાઈ દેસાઈ વગેરે તજજ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રાંત ઉપાધ્યક્ષ મૂરજીભાઇ ગઢવી, સરકારી માધ્યમિક કચ્છ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંજા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ગ્રાન્ટેડ માધ્યમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, ગ્રાન્ટેડ પ્રાથમિક અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, મહામંત્રી હિતેશભાઈ સોલંકી તેમજ એચ.ટાટ મહામંત્રી અમરાભાઈ રબારી સહિતની જિલ્લા ટીમ અને વિવિધ તાલુકા સ્તરના અધ્યક્ષો, મહામંત્રીઓ તેમજ કચ્છના તમામ કાર્યકર્તાઓએ ખાસ જહેમત ઉઠાવી અભિયાનને સફળ બનાવેલ હતુ.

આ અભિયાનથી કચ્છના શિક્ષણ ક્ષેત્રે એક સંસ્કારપ્રેરિત, સ્વચ્છ અને સમરસ લહેર ઊભી થઇ છે, જે શિક્ષણને માત્ર શૈક્ષણિક જ નહીં પણ જીવનમૂલ્ય અને સમાજસેવાની દિશામાં દોરી જશે.