સુરતમાં આજથી છઠ્ઠી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ, તમામની નજર ફ્રેનાઝ, ફિલઝાહ પર રહેશે

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે ત્યારે તમામની નજર સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ ચિપીયા અને ફિલઝાહફાતેમા કાદરી પર રહેશે. આ બંને ખેલાડી ટાઇટલ જીતવા માટે મજબૂત દાવેદાર છે. આ ટુર્નામેન્ટ છ સપ્ટેમ્બર સુધી ચાલશે.
તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલએ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર છે જ્યારે સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પોન્સરર છે. ટુર્નામેન્ટમાં 501 એન્ટ્રી આવી છે.
વડોદરા ખાતે ચેમ્પિયન બનેલી ફ્રેનાઝ અને ફિલઝાહને આ વખતે નામના અને રિયા એમ બે જયસ્વાલ બહેનો તરફથી આકરો પડકાર મળે તેવી સંભાવના છે.
મેન્સ વિભાગમાં વડોદરા ખાતેની આવૃત્તિમાં ચેમ્પિયન બનેલો જયનીલ મહેતા આકર્ષણનું કેન્દ્ર રહેશે કેમ કે સુરતનો અયાઝ મુરાદ અને આયુષ તન્ના તેમના ઘરઆંગણે ઉમદા રમત દાખવી શકે તેમ છે.

જુનિયર ખેલાડીમાં પ્રથા પવાર, જન્મેજય પટેલ, ધ્યેય જાની, દાનિયા ગોડીલ, દેવ ભટ્ટ અને હિમાંશ દહિયા પણ ટાઇટલ જીતવા પ્રતિબદ્ધ છે.
જીએસટીટીએ અને ટીટીએએસડીના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ માહિતી આપી હતી કે આ સ્ટેટ ટુર્નામેન્ટ યોજવા માટે તાપ્તિ વેલીનું સ્થળ સજ્જ છે. “આ વખતે 13 ટેબલનો ઉપયોગ કરાશે. વર્ષો વર્ષ અમે શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ અને અન્ય સવલતો અમારા રાજ્ય કક્ષાના ખેલાડીઓને આપતા રહ્યા છીએ અને આ વર્ષે પણ આમ જ થશે.” તેમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.