માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્‍પના સ્‍થળે જરુરી વિગતો રાખવા

  આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લા બહારના શ્રદ્ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાનામઢ જાય છે અને હજારોની સંખ્‍યામાં પદયાત્રીઓ માટે નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્‍તા પરથી સતત અવર-જવર કરતા હોય છે.આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા જિલ્‍લાના સામખીયાળીથી માતાનામઢ સુધી સેવા માટેના કેમ્‍પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે. જેથી પદયાત્રીઓનાં માર્ગમાં કોઇ અડચણ કે મુશ્‍કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી છે. અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટશ્રી ડી.પી.ચૌહાણ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) અન્વયે તા.૨૧/૦૯/૨૦૨૫ સુધી સંબંધિત કેમ્‍પ સંચાલકોને આ જાહેરનામાની વિગતોનો અમલ કરવા જણાવાયું છે.

        જાહેરનામામાં જણાવ્‍યા અનુસાર સામખીયાળીથી માતાના મઢ સુધી શ્રદ્ધાળુઓ માટે કચ્‍છ અને કચ્‍છ બહારની જે સંસ્‍થાઓ તરફથી રસ્‍તાની સાઇડમાં કેમ્‍પ રાખવામાં આવે છે, તેઓએ સેવાભાવી સંસ્‍થાનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ નંબર, કેમ્‍પનું સ્‍થળ અને કેમ્‍પનો હેતુ, કેમ્‍પના મુખ્‍ય સંચાલકો/આયોજકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઈલ નં. તેમજ કેમ્‍પના સેવા આપનાર સ્‍વયંસેવકોના નામ, સરનામા, ટેલિફોન/મોબાઇલ નંબરની સાથે કેમ્‍પમાં કોઇ ચીજ/વસ્‍તુ ખાદ્ય પદાર્થ વિતરણ કરવાના હોય તો તેની સંપૂર્ણ વિગત. કેમ્‍પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત આપવાની રહેશે.

          આ ઉપરાંત જે જગ્‍યાએ કેમ્‍પ લગાડવાના હોય તે જગ્‍યાએ લાઇટ રીફ્લેક્ટર રાખવા, કેમ્‍પ આયોજકોએ સફાઇ માટેની જરૂરી વ્‍યવસ્‍થા, કચરાપેટી માટેની જરૂરી વ્‍યવસ્‍થા કરવી, યાત્રાળુઓ માટે શુધ્‍ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્‍તા ઉપર વધારાના સ્‍પીડબ્રેકર કે બમ્‍પ બનાવવાના રહેશે નહીં. લાઉડ સ્‍પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્‍લાસ્‍ટીકની થેલીનો ઉપયોગ કરવો નહીં. કેમ્‍પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ બાંધવાના રહેશે તેમજ કેમ્‍પના સંચાલકોએ જાહેર રસ્‍તા કે મુખ્‍ય માર્ગ પર કોઇ અવરોધ ઊભા કરવા નહીં.

       તેમજ સેવા કેમ્‍પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહન-વ્‍યવહારને તેમજ રાહદારીઓ/પદયાત્રીઓને અડચણરૂપ ન થાય તે રીતે બાંધવા જણાવાયું છે.

        આ તમામ વિગતો કેમ્‍પના સ્‍થળે રાખવાની રહેશે તેમજ સંબંધિત પોલીસ સ્‍ટેશનને તેની જાણ કરવાની રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર સામે વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અંજના ભટ્ટી        ૦૦૦૦૦૦