નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ કચ્છના અનેક વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાના કોડ પૂરા કર્યા 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવી ઊંચાઇ પર પહોંચાડી છે. ગુજરાત સેમિ કંડક્ટર, ગ્રીન ઉર્જા અને ડિજિટલ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં આ ક્ષેત્રોની ટેક્નોલોજીના જાણકારોની માંગ વધશે તેમજ ગુજરાતના બાળકો વિજ્ઞાન અને પ્રોદ્યોગોકીના ક્ષેત્રોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષા મેળવી શકે તે માટે રાજ્ય સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી કરી છે. આ યોજના હેઠળ ધો.૧૧ અને ધો.૧૨માં વિજ્ઞાન વિષય પસંદ કરનારા છાત્રોને બે વર્ષમાં કુલ રૂ. ૨૫ હજારની સહાય આપવામાં આવે છે. આ યોજના થકી કચ્છમાં અનેક વિદ્યાર્થીઓ વિજ્ઞાનક્ષેત્રેમાં કારર્કિદી બનાવવાના સપના સાકાર કરી શક્યા છે.

કચ્છની વાત કરીએ તો, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત કચ્છના ૧૯૨૨ વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે. જેને અત્યારસુધી રૂ. ૧,૯૨,૨૦,૦૦૦ની સહાય ચુકવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહમાં જવા છાત્રો પ્રેરાય તથા રાજ્યમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં યુવાઓ માટે રોજગાર અને કારર્કિદીના અવસર વધે તે માટે અમલી કરાયેલી આ યોજના વિશે ભુજ માતૃછાયા કન્યા વિદ્યાલયની ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હૃર્ષવી પોમલ જણાવે છે કે, આ યોજના મારા જેવા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ છે. એવા છાત્રો કે જેને વિજ્ઞાન પ્રવાહમાં જવું છે પરંતુ આર્થિક રીતે પરિવાર ભારણ ઉપાડવા સક્ષમ નથી તેવા છાત્રોને રાજ્ય સરકાર દ્વારા આ રીતે કરાતી આર્થિક મદદ જીવનને નવો વળાંક આપનાર બની રહી છે. આ સહાયના કારણે અનેક વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરીને પોતાના સપના સાકાર કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. દર માસે બેંક ખાતામાં રાજ્ય સરકાર સીધી સહાય મળતી હોવાથી વિજ્ઞાન પ્રવાહના ખર્ચેને પહોંચી વળવું શક્ય બન્યું છે. મારા જેવા અનેક છાત્રોના ડોક્ટર, એન્જિનિયર બનવાના સપના રાજ્ય સરકારની આ યોજના થકી સાકાર થઇ રહ્યા છે. હું કચ્છના વિજ્ઞાન પ્રવાહના તમામ છાત્રો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.