સાયલા પાસે ૨૭ લાખનો દારૂ ભરેલો ટ્રક પકડાયો

રાજકોટ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સાયલા નજીકથી ૨૭ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે રાત્રિના અરસામાં ટ્રકચાલક રાજસ્થાની ઈસમને પકડી પાડી કુલ રૂ.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક અટકાવતાં કલનીર ભાગી છૂટયો હતો. સફેદ પાવડર અને ભુસાના કોથળાઓની પાછળ દારૂની પેટીઓ છુપાવાઇ હતી. આ જથ્થો બોટાદ સુધી પહોંચાડવાનો હતો. સાયલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનનિટરીંગ સેલના પીએસઆઇ એસ.એન. રામાણી, હેડકોન્સ. જયુભા પરમાર, હેડકોન્સ. મહમદ હારૂનભાઇ, રાણાભાઇ, જયસુખભાઇ સહિતનો સ્ટાફ સુરેન્દ્રનગર જીલ્લામાં દારૂ-જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતાં. ત્યારે પીએસઆઇ રામાણીને બાતમી મળી હતી કે સાયલા બોટાદ રસ્તા પર આરજે ૨૩ જીએ ૩૭૯૫ નંબરનો ટ્રક વિદેશી દારૂ ભરીને બોટાદ તરફ જવા નીકળવાનો છે. આ બાતમીને આધારે સાયલા-બોટાદ રસ્તા પર પેટ્રોલીંગ રાખતાં રાત્રીના અરસામાં સાયલા પાસે પ્રાથર્ના પેટ્રોલ પંપ નજીક બાતમી મુજબનો ટ્રક નીકળતાં તેને અટકાવતાં કલીનર ઠેકડો મારી ભાગી ગયો હતો. ચાલકને સકંજામાં લઇ ટ્રકના ઠાઠામાં તપાસ કરતાં તેમાંથી સફેદ પાવડર અને ભુસાના કોથળા મળ્યા હતાં. તે હટાવતાં પાછળથી દારૂની કુલ ૭૭૫ પેટીઓ ૯૩૦૧ નંગ બોટલ કિંમત રૂ.૨૭ લાખનો મળી આવતાં તે તથા ૧૫ લાખનો ટ્રક મળી કુલ ૪૩,૦૭,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ બારામાં સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇવર રાકેશ કુમાવત (રહે. ચટ, જી. શીકર રાજસ્થાન)ની વિશેષ પુછતાછ હાથ ધરી છે. તેના કહેવા મુજબ બોટાદ પહોંચ્યા પછી આ દારૂ કોને આપવાનો છે? તેનો ફોન આવવાનો હતો. રાજસ્થાનથી આ જથ્થો કોણે મોકલ્યો? તે સહિતના મુદ્દે સાયલા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *