આદિપુરમાં મકાનમાંથી 1.29 લાખની તસ્કરી

આદિપુરના વોર્ડ 6 એ વિસ્તારમાં આવેલા એક બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ તેમાંથી ટી.વી., સોના-ચાંદીના દાગીના, ઘડિયાળ વગેરે તેમજ બાજુના અન્ય એક મકાનમાંથી ટી.વી. એમ કુલ રૂ.1,29,000 ની મતાની તસ્કરી કરી નાસી છૂટયા હતા. આદિપુરના વોર્ડ 6 એમાં આવેલા મકાન નંબર 486 માં રહેતા અને વેલસ્પન કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતાં ચેતન ચંદ્રકુમાર યતિએ આ બનાવ અંગે ફરિયાદ લખાવી હતી. આ યુવાન અને તેમના પત્ની ગત સાંજના અરસામાં અમદાવાદ રહેતા પોતાના સંબંધીને મળવા ગયા હતા, જ્યાંથી સવારના અરસામાં પાછા આવતા પોતાના મકાનનું તાળું તૂટેલું હોવાનું બહાર આવ્યું હતું. આ મકાનમાંથી નિશાચરોએ એલ.ઇ.ડી. ટી.વી, અંદરના બેડરૂમમાં આવેલી તિજોરીમાંથી સોનાનું  બ્રેસ્લેટ, સોનાનું મંગલસૂત્ર, સોનાની ચાર વીંટી, કાનની બુટી, ચાંદીની બે પાયલ, ચાંદીના બે સિક્કા, રાધા-કૃષ્ણની ચાંદીની મૂર્તિ, બે લેપટોપ, ચાર કાંડા ઘડિયાળની તફડંચી કરી હતી.તેમજ બાજુમાં હરેશ સંગતરામ ખેમચંદાણીના મકાન નંબર 230 માંથી એલ.ઇ.ડી.ટી.વી. એમ આ બંને મકાનોમાંથી રૂ.1,29,000 ની મતાની તસ્કરી કરીને તસ્કરો નાસી છૂટયા હતા. આદિપુરના જુમાપીર ફાટક નજીક થયેલી રૂ. 16 લાખની સનસનીખેજ લૂંટ, ગાંધીધામના શક્તિનગરમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી અડધા કરોડની લૂંટ, ભચાઉમાં થયેલી અનેક મંદિર તસ્કરી, ઘરફોડ તસ્કરી, ચીલઝડપ સહિતના બનાવો વણઉકેલ્યા છે તેવામાં વધુ એક તાસકરીના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *