કચ્છ જિલ્લાની આંગણવાડીઓમાં ‘સુપોષણ સંવાદ’ અને ‘ગોદ ભરાઈ’ની ઉજવણી: સગર્ભા અને ધાત્રી માતાઓને અપાયું પોષણનું ભાથું

કચ્છ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રો ખાતે મહિનાના
પ્રથમ મંગળવાર નિમિત્તે ‘સુપોષણ સંવાદ’ અને ‘ગોદ ભરાઈ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ
કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે માતા અને બાળકના આરોગ્યમાં સુધારો લાવવા તેમજ પોષણયુક્ત આહાર પ્રત્યે
જાગૃતિ લાવવાનો છે.
આજના ‘સુપોષણ સંવાદ’ દરમિયાન આંગણવાડી કાર્યકરો દ્વારા સમુદાયની સગર્ભા અને ધાત્રી
માતાઓ સાથે સીધો સંવાદ સ્થાપવામાં આવ્યો હતો. જેમાં નવજાત શિશુ માટે સ્તનપાનનું મહત્વ અને ૬ મહિના
પછી આપવામાં આવતા ઉપરી આહારની વૈજ્ઞાનિક સમજ પૂરી પાડવામાં આવી હતી. આ સંવાદમાં માતાઓએ
પોતાના અનુભવો અને પડતી મુશ્કેલીઓ રજૂ કરી હતી, જેનો કાર્યકરો દ્વારા સરળ અને વૈજ્ઞાનિક ઉકેલ સૂચવવામાં
આવ્યો હતો.
કાર્યક્રમના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થી સગર્ભા બહેનોની ‘ગોદ ભરાઈ’ (શ્રીમંત વિધિ)
કરવામાં આવી હતી. આ વિધિ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અને કુટુંબીજનોની હાજરીમાં પરંપરાગત રીતે સંપન્ન
થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રેરક માતાઓ અને કાર્યકરોએ સગર્ભા બહેનોને લોહતત્વ યુક્ત ખોરાક, આહારમાં
વિવિધતા અને સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની સાવચેતીઓ વિશે માહિતગાર કર્યા હતા.
આંગણવાડી સ્તરે યોજાતા આ પ્રકારના કાર્યક્રમોથી માતાઓમાં હકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું
છે. માતાના આરોગ્ય અને પોષણની સીધી અસર આવનારા બાળક પર પડતી હોય છે, ત્યારે ‘સુપોષણ સંવાદ’ એક
એવું માધ્યમ બન્યું છે જ્યાં ગ્રામ્ય સ્તરની મહિલાઓ એકબીજા પાસેથી શીખીને સુપોષિત સમાજના નિર્માણમાં
સહભાગી બની રહી છે.