ગાંધીધામમાં પૂરપાટ કાર ચાલકોએ અકસ્માત સર્જ્યો : બે યુવાનોના મોત, મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો…

ગાંધીધામ શહેરના ટાગોર રોડ ઉપર મોડી રાત્રે નબીરાઓ દ્વારા બેફામ ગતિએ ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે. કાર ચાલક દ્વારા ચાર લોકોને હડફેટે લેવાની ઘટનામાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મૃતક તરીકે કલ્પેશ સુમારભાઈ મહેશ્વરી તથા ભાવિક ભાણજીભાઈ મહેશ્વરીના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો અને તેને માર માર્યા બાદ પોલીસ હવાલે કર્યો હતો. ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કાર ચાલકને માર મારતા લોકો દેખાઈ રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ કારમાં ત્રણ અન્ય નબીરા પણ હાજર હતા, જે અકસ્માત બાદ વાહનમાંથી ઉતરી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કાર ચાલક નશામાં હતો કે કેમ, તેમજ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાજના લોકો આદિપુર રામબાગ હોસ્પિટલ ખાતે એકત્ર થયા છે અને તમામ આરોપીઓ ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. સમાજ દ્વારા આરોપીઓને ઝડપથી પકડી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગાંધીધામમાં સતત વધી રહેલી હિટ એન્ડ રન તથા નબીરાઓની બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.