શિક્ષણ એવી અમોઘ જડીબુટ્ટી છે, જેના દ્વારા સમાજ વિકાસ પામે છે. પુંજલ બાપાએ પણ રબારી સમાજ શિક્ષણમાં આગળ વધે તે માટે મનમાં ગાંઠ વાળીને શિક્ષણની જયોત જલાવીને સમાજને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું હતું, તેમ અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠ્ઠન દ્વારા આયોજિત સરસ્વતિ સન્માન સમારોહને સંબોધતા રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.ભુજોડી સ્થિત મંગલ મંદિર શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે યુવા સંગઠ્ઠન આયોજિત સરસ્વતિ સન્માન કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા દર વર્ષે ૪૮ લાખ જેવી રકમ ભુજોડી ખાતેના છાત્રાલના શિક્ષણખર્ચ પેટે અપાતી હોવાનું જણાવી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ રૂ. ૨૩૫ લાખ શિષ્યવૃતિ-ગણવેશની રકમ પેટે કચ્છનાં બક્ષીપંચના વિદ્યાર્થીઓનાં પણ વિદ્યાર્થીઓના ખાતામાં સીધી જમા કરાવાયા હોવાનું ઉમેર્યું હતું.
રાજયમંત્રી શ્રી આહિરે જણાવ્યું હતું કે, બક્ષીપંચના દીકરાં-દીકરીઓને વિદેશમાં અભ્યાસ હેતુ રૂ. ૨૫ લાખ ઉપરાંત પાયલોટ બનવા માટે પણ લોન રાજયના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાય છે, તેમ જણાવી દાતાઓને પણ અભિનંદન પાઠવ્યાં હતા.આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠ્ઠન દ્વારા શિક્ષણક્ષેત્રે પ્રભુત્વ મેળવનાર દીકરા-દીકરીઓનું સન્માન કરવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે, તેને બિરદાવતાં જણાવ્યું હતું કે, અવાર-નવાર આવતાં દુષ્કાળો, વિષમ પરિસ્થિતિમાં બહાર નીકળીને કાંઇક પણ અલગ વિચારવાનો સમય આવે અને એમાં જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો એના માટે હવેના સમયમાં શિક્ષણ સિવાય કોઇ વિકલ્પ નથી. શ્રી છેડાએ પૂંજલ દાદાએ જલાવેલી શિક્ષણની આ જયોતના પોતે દર્શન કરતાં આવ્યાં હોવાનું જણાવી આ જયોત વધુમાં વધુ વિકસે અને રબારી સમાજના દીકરાં-દીકરીઓ વધુમાં વધુ આગળ વધે એના માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે, તેનો ભરપૂર લાભ લઇ શિક્ષણક્ષેત્રે દિવસા-દિવસ વધુ પ્રગતિ પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.આ પ્રસંગે રબારી-સમાજ દીકરાં-દીકરીઓનું રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિર અને પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા સહિત રબારી સમાજના અગ્રણી અને તાલુકા ભાજપના મહામંત્રી જયમલભાઈ રબારી તેમજ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સન્માન કરાયું હતું.
આ પ્રસંગે માલધારી મંગલ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજાભાઈ, મનુભાઈ, રણછોડભાઈ, કાનાબાપા, દેવાભાઈ, આશાભાઈ, વંકાભાઈ, હમીરભાઈ સહિત સખીબેન, કાનાભાઈ રબારી, ભુજોડીના અગ્રણી શ્રી ગાભુભાઈ, આશાપુરા કંપનીના શ્રી ત્રિપાઠી અને વિરલભાઈ ગોર તેમજ રબારી સમાજના આગેવાનો, સમાજ કલ્યાણ અધિકારી જયેશભાઈ બારોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.