પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા ખાતે જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનો હોઈ તે અંતર્ગત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલ શિબિરમાં મેડિકલ ઓફિસર ડૉ. ક્રિષ્નાબેન ઢોલરીયાએ ડેન્ગ્યુના લક્ષણો, સારવાર તથા મચ્છર જન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત સમજ આપી હતી. ઉપરાંત સમગ્ર ગુજરાતની સાથે કચ્છ મુન્દ્રામાં ૧લી જુલાઈથી શરૂ થયેલ રોટા વાયરસ રસીની શરૂઆત પણ ઝરપરાથી કરાઈ હતી. મોઢા વડે અપાતી આ રસીથી નાના બાળકોમાં રોટા વાયરસના ચેપથી થતા ઝાડાનું પ્રમાણ મહદઅંશે ઘટાડીને બાળ મરણ અટકાવવાનો મુખ્ય ઉદ્દેશ છે.
પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી અને તબીબ ડો. બી. સી. રોયના જન્મદિવસ અને પુણ્યતિથિ ૧લી જુલાઈએ આવતી હોઈ તેમની સ્મૃતિમાં ૧૯૯૧ થી રાષ્ટ્રીય ડોકટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે જેમાં સારા સ્વાસ્થ્ય માટે ગ્રામ્ય કક્ષાએ ડૉક્ટર્સની સેવાઓના યોગદાન માટે સન્માન કરવામાં આવે છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ઝરપરાને કર્મભૂમિ બનાવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવીરત સેવા આપનાર એમ.બી.બી.એસ. ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાની સેવાઓને બિરદાવીને કેન્દ્રના સ્ટાફ મિત્રો દ્વારા ડોકટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.