શહેરમાં કોટ અંદરના વિસ્તારમાં આસ્થાના સ્થળ આશાપુરા માતાજીના મંદિર સંકુલના બહારના ભાગે ચોકમાં પાર્ક કરાયેલા સ્કૂટરની ડેકી કોઇ સાધન વડે ખોલીને તેમાંથી રૂા. 3.73 લાખની રોકડ રકમ આજે મોડીસાંજે કોઇ ઉઠાવી જતાં સનસનાટી મચી ગઇ છે.’ ભુજમાં મુંદરા રોડ ખાતે રિલાયન્સ પેટ્રોલપંપ પાસે આશાપુરા પાર્કમાં રહેતા મૂળ મોટી મઉં (માંડવી) ગામના વતની અને ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શાકભાજીનો વ્યવસાય કરતા હિતેશભાઇ મોહનભાઇ ઠક્કર અને તેમના પત્ની ક્રિષ્નાબેન આજે મંગળવાર હોવાથી આશાપુરા મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે આજે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યા દરમ્યાન તેમનું એકસેસ-125 સ્કૂટર તસ્કરોનું નિશાન બન્યું હતું. ભોગ બનનારા વેપારી હિતેશ ઠક્કરે ઘટનાની કેફિયત વર્ણવતા જણાવ્યું હતું કે શહેરમાં શરાફ બજાર નજીક વ્હાઇટ બિલ્ડિંગ ખાતે કાર્યરત પી.એમ. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં આવેલા તેમના રૂા. સાડા ત્રણ લાખ તથા પોતાના વેપારના આજના વકરાના રૂા. 22500 મળી રૂા. 3.73 લાખની રકમ તેમણે એકસેસની ડેકીમાં રાખી હતી. તેઓ તેમના પત્ની સાથે બહાર ચોકમાં વાહન પાર્ક કરીને આશાપુરા મંદિરમાં દર્શન કરવા ગયા હતા તે દરમ્યાન આ તસ્કરી’ થઇ હતી.’ બનાવની જાણ થતાં ભુજ શહેર બી-ડિવિઝનની પોલીસ ટુકડી સ્થાનિકે દોડી આવી છાનબીનમાં પરોવાઇ હતી. પ્રાથમિક તપાસમાં સપાટીએ આવેલી વિગતો અનુસાર જીજે.12-ડીપી-5827 નંબરના સ્કૂટરની સીટ નીચેની ડેકી કોઇ સાધન વડે ખોલી તેમાં પડેલી મોટી રકમ તફડાવાઇ હતી. આ કિસ્સામાં કોઇ જાણકારનો હાથ હોવાનું અને વ્યવસ્થિત રેકી કર્યા બાદ કિસ્સાને અંજામ અપાયો હોવાનું અનુમાન થઇ રહ્યું છે. પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફ્|ટેજના અભ્યાસ સાથેની સર્વગ્રાહી છાનબીન શરૂ કરી છે. બનાવના પગલે લોકોના ટોળાં એકત્ર થયાં હતાં.”