જી.કે.જનરલમાં કિશોરને જટિલ સારવાર બાદ નવજીવન અપાયું

ભુજ તા., જી.કે.જનરલ હોસ્પિટલમાં ભૂલથી વાડીમાં છાંટવાની દવા પી જવાથી ઝેરની અસર થઇ જવાના કારણે દાખલ થયેલા કિશોરનું સારવાર દરમિયાન હૃદય બબ્બે વખત બંધ પડી ગયું પણ અત્રેના મેડીસીન વિભાગના તબીબોએ કાર્ડિયો પલ્મોન્ટી રીક્શીટેશનની મદદથી હૃદય ધબકતું કરતા એ કિશોરને નવજીવન પ્રાપ્ત થયું હતું.અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલનાં મેડીસીન વિભાગના રેસીડેન્ટ ડો.ક્રીશ જીવાણીનાં જણાવ્યા અનુસાર મુન્દ્રાનો વિનોદ લાભુ(ઉ.વ.૧૫) વાડીમાં છાંટવાની દવા ઓર્ગેનો ફોસ્ફરસ પી જતા શરીરના ઝેરની અસર ફેલાઈ ગઈ હતી. અને પાંચ કલાકના ગાળા પછી અત્રેના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. કિશોરમાં ઝેરની વ્યાપક્તાને પગલે શ્વાસ તદ્દન ઘટી જવાથી તાત્કાલિક વેન્ટીલેટર ઉપર લઇ સારવાર અપાઈ અને વધુ જરૂર જણાતા ICUની પણ સારવાર આપવામાં આવી. શરૂઆતમાં સુધારો જણાયો પણ એકાએક ઝેરી દવાએ ઉથલો મારતા હૃદય બંધ પડી ગયું તે જ વખતે કાર્ડિયો પલ્મોનીટી રીક્શીટેશન સારવાર (હાથથી હૃદયનું પમ્પિંગ કરવું) આપતા હ્રદયનાં ધબકારા સામાન્ય કરી દિધા હતા. પરંતુ તબીબોના આશ્ચર્ય વચ્ચે સારવાર દરમિયાન માત્ર અડધા કલાકના ગાળામાં જ પુન; હૃદય બંધ થઇ ગયું પરંતુ, તબીબોએ ફરીથી પ્રયત્નો શરુ કરી દિધા અને CPR આપવાની સાથે શોક ટ્રીટમેન્ટ આપી હૃદયની ગતિ પુન: સામાન્ય કરી મેડીસીન વિભાગના રેસીડેન્ટ ડો. ક્રિશનાં જણાવ્યા મુજબ આ પ્રકારે, હૃદય બંધ થઇ જાય તો દર્દીનું બચવું મુશ્કેલ થઇ જાય છે. પણ વિનોદના સદનસીબ અને તબીબોના પ્રયત્નથી કિશોરને આબાદ બચાવી લેવાયું. આ સારવારમાં એમ.ડી. તબીબો ડો. યેશા ચૌહાણ, ડો. જયંતિ સથવારા, ડો. હરિતા પટેલ, ડો. સમર્થ પટેલ અને ડો. હિતાર્થ જોશી જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *