કંડલા બંદરે ડ્રેઝરમાં આગના બનાવથી ભારે દોડધામ

કંડલામાં બંદર બેઝિન એરિયામાં ઊભેલા શિપિંગ કંપનીના ડ્રેઝરમાં આગજનીનો બનાવ બનતાં પોર્ટ પ્રશાસનમાં ભારે દોડધામ થઈ પડી હતી. જો કે તાત્કાલિક આગ કાબૂમાં લઈ લેવાતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જૈશુ શિપિંગ કંપનીના પ્રીતમ કેવલરામાણીની માલિકીના રીવર પર્લ-4 નામના ડ્રેઝરમાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં આગજનીનો બનાવ બન્યો હતો. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે ડ્રેઝરમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું. આ દરમ્યાન અચાનક ધડાકા સાથે ઉપરના ભાગે આગ લાગી હતી. આગના બનાવના પગલે ભારે દોડધામ થઈ પડી હતી. ડીપીટીના અગ્નિશમન વિભાગ દ્વારા તાત્કાલિક પાણી છંટકાવ સહિતની કામગીરી આદરાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આગ કાબૂમાં લઈ લેવાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેલ્ડિંગના કામ માટે પોર્ટ પ્રશાસનની મંજૂરી લેવાઈ ન હતી. જો કે આ બનાવમાં ડ્રેઝરમાં કોઈ વધુ નુકસાની થઈ ન હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ડ્રેઝર નેવી અને કોસ્ટગાર્ડની નજર હેઠળ જ હતું. ચારેક વર્ષ સુધી પાકિસ્તાન ખાતે કામગીરી કરી હતી. હાલ કંપનીની માલિકી બદલતાં તેને કંડલા લાવવામાં આવ્યું હતું. અહીથી સંભવત: કોલકાતા ખાતે લઈ જવાનું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *