કચ્છ જિલ્લામાં ખનિજચોરીની પ્રવૃતિ બેફામ બની હોઈ સરકારી તીજોરીને દર વર્ષે કરોડોનો ચૂનો ચોપડાઈ રહ્યો છે. ખનિજચોરો પર કરવા પુરતી પણ તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી ન હોઈ સમયાંતરે જે-તે વિસ્તારના સ્થાનિકો દ્વારા ઓવરલોડ ગાડીઓ રોકી તંત્રની ફરજ અદા કરાતી હોય છે ત્યારે આજે અંજાર તાલુકાના નવાગામના લોકોએ પણ ચોરાઉ સિલીકાની ઓવરલોડ ગાડીઓ રોકી ખાણખનિજ અને પોલીસ તંત્રનું નાક કાપ્યું હતું.આ અંગેની વિગતો મુજબ વાગડ સહિત સમગ્ર પૂર્વ કચ્છ વિસ્તારમાં જાણે ખાણખનિજ વિભાગે ખનિજચોરોને છુટો દોર આપ્યો હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય સંપતિને લૂંટનારા તત્વો ગામોના સીમાડાઓમાં મસમોટા મશીનો લગાવી કિંમતી ખનિજોની ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા હોવા છતાં કાર્યવાહીના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. અંજાર તાલુકાના નવાગામ વિસ્તારમાં પણ પાછલા લાંબા સમયથી ખનિજચોરો બેફામ બન્યા હોઈ આજે ગ્રામજનોએ ખાણખનિજ અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી નિભાવી ઓવરલોડ અને ખનિજચોરીની ગાડીઓ રોકી હતી. નવા ગામના ગામ લોકોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નવાગામ અને હિરાપર વચ્ચેના વિસ્તારમાંથી લાંબા સમયથી ખનિજચોરી થઈ રહી છે. પોલીસ અને ખાણખનિજ વિભાગને આ સંદર્ભે વારંવાર રજુઆત કરાઈ હોવા છતાં સમખાવા પુરતી પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામમાંથી દરરોજ ચોરીના ખનિજ ભરેલી અનેક ઓવરલોડ ગાડીઓ બેફામ રીતે પસાર થઈ જોખમ પણ સર્જી રહી છે.ઓવરલોડ ગાડીઓ પર કાર્યવાહી કરવાનું ગામલોકોએ મન બનાવતા આજે સવારે ૧૦થી વધુ ગાડીઓને રોકી ખનિજચોરોના મનસુબાઓ પર પાણી ફેરવ્યું હતું. ગામલોકોએ રોકેલ ખનિજચોરીની ગાડીઓ સંદર્ભ પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના અધિકારી શ્રી ઓઝાનો સંપર્ક સાધતા તેમણે આ બાબતે અજાણતા દર્શાવી હતી અને કહ્યું હતું કે હજુ સુધી આ સંદર્ભે મારી પાસે કોઈ જ વિગતો આવેલ નથી. દુધઈ પીએસઆઈ કે.વી.લાકોડનો સંપર્ક સાધતા તેમણે પણ આ બનાવ બાબતે અજાણતા દર્શાવી હતી.