જી.કે.માં નાજુક અવસ્થામાં આવેલી પ્રસુતાને વિકટ સારવાર બાદ બાળક સમેત ઉગારી લેવાઈ

જી.કે.જનરલ હોસ્પિટલમાં નાજુક અવસ્થામાં દાખલ થયેલી પુરા દિવસની પ્રસુતાને અત્રેનાં સ્ત્રીરોગ અને એનેસ્થેટીક વિભાગે માતા અને બાળક બંનેને હેમખેમ ઉગારી લીધા.
અંજારની નસીમબાનું (ઉ.વ. ૨૭) ને સામુહિક આરોગ્ય કેન્દ્ર અંજારમાંથી જ્યારે અદાણી સંચાલિત જી.કે.જનરલમાં રીફર કરવામાં આવી ત્યારે પ્રસવ પીડા શરુ થઇ ગઈ હતી. ૧૯૦/ ૧૩૦ જેટલા હાઈ બી.પી.ને કારણે ફેફસામાં પાણી ભરાઈ જતા ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઇ જવાથી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા અનિયમિત હતી. આ નાજુક અવસ્થાનો તાગ મેળવી લેતાં તબીબોએ દર્દીને શ્વાસના મશીન ઉપર દર્દીને લઇ સી.પેપ (કંટીન્યુઝ પોઝીટીવ એર-વે પ્રેશર) આપવાનું શરુ કર્યું.
એસોસિયેટ પ્રોફેસર ડો. ગીરીજા બેલાડ અને સીનીયર રેસીડેન્ટ ડો.અકસા ખત્રીનાં જણાવ્યા અનુસાર આ સારવાર દરમિયાન ત્રણ કલાક પછી દર્દીને ખાંસી શરુ થઇ જતા કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટે ફેફસામાં નળી(ઇન્ટયુબેશન) મશીનનો ઉપયોગ કર્યો. દરમિયાન નળી વાટે પાણી બહાર આવવા લાગ્યું અને દર્દીને એકાએક પ્રસવ દર્દ બંધ થઇ જતા તાત્કાલિક સીઝીરીયનથી બાળકને લેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું.
સીઝીરીયન માટે ઓપરેશન ઉપર લેતા દર્દીના પલ્સનાં ધબકારા અટકી ગયા. મહિલાને બચવાના ચાન્સ ઘટી જતા તાત્કાલિક એનેસ્થેટીક સર્જને સી.પી.આર.(કાર્ડિયો પલ્મોનરી રિસસીટેશન) ઉપર લીધું. પણ મહિલા ગર્ભવતી હોવાથી સી.પી.આર. સીસ્ટમમાં અગવડતા ઉભી થાય છે. બીજી તરફ ગર્ભમાં બાળક જીવંત હોવાથી તાકીદની પરિસ્થિતિમાં પંદર જ મીનીટના ગાળામાં બાળકને સીઝીરીયનથી લઇ લીધું.
ચીફ મેડિકલ સુપ્રિ. ડો. ભાદરકાનાં માર્ગદર્શન હેઠળ દર્દીનું સીઝીરીયન કર્યું ત્યારે ગર્ભમાં પણ હાઈ બી.પી.ને કારણે ભરાયેલું પાણી પણ દુર કર્યું. એ સાથે માતાને ચેતના આવી ગઈ. સી.પી.આર પણ માફક આવી ગયું. પણ ફેફસામાં પાણી હોવાથી દર્દીને આઈ.સી.યુ.માં શિફ્ટ કરી વ્યાપક સારવાર આપતા તમામ જટિલતા સામાન્ય થઇ ગઈ.
આ સારવાર અને શસ્ત્રક્રિયામાં થર્ડ ઈયર રેસીડેન્ટ ડો.ઉર્વાંગી ઠક્કર, સેકન્ડ ઈયર રેસીડેન્ટ ડો. વિનોદ મકવાણા તેમજ એનેસ્થેટીક સર્જન ડો. રામનંદન પ્રસાદ અને આસી.પ્રોફે. ડો. પૂજા કુમાકિયા જોડાયા હતા.