મુંદરા તાલુકામાં કેન્સર નિદાન માટે ૩૭૦ બહેનોની તપાસણી કરાઇ
મુન્દ્રા,તા.૧૦: તાલુકા હેલ્થ ઓફિસ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ શક્તિ-રક્ષા અંતર્ગત ગર્ભાસય તથા સ્તન કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે મુન્દ્રા તાલુકામાં એક અભિયાન હાથ ધરાયું હતું જે અંતર્ગત તાલુકાનાં સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા રોટરી હોલ ખાતે યોજાયેલ મેગા કેમ્પમાં ૩૭૦ બહેનોની ભુજની અદાણી જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાંત ડોકટર દ્વારા તપાસણી કરવામાં આવી હતી જેમાંથી વધુ સારવાર માટે ૯૭ બહેનોને શોધી કાઢવામાં આવી હતી જેને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે આગામી સમયમાં યોજાનાર મેગા કેમ્પમાં વિશેષ નિદાન કરીને સંપૂર્ણ સારવાર કરાવવામાં આવશે એવું અદાણી ફાઉન્ડેશનના ડાયરેકટર વસંત ગઢવીએ જણાવ્યું હતું.
કેમ્પમાં રેડક્રોસ સોસાયટીના સહયોગથી ૧૪૯ બહેનોની થેલેસેમિયા તપાસ પણ ટેકનિશિયન હિતેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. થેલેસેમિયાએ વારસાગત – આનુવાંશિક છે અને બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ એ એક માત્ર ઉપચાર માનવામાં આવે છે ત્યારે આ અભિયાન દ્વારા મુન્દ્રાની બહેનોને વહેલું નિદાન અને સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે એવું રેડક્રોસ સોસાયટી મુન્દ્રાના પ્રમુખ સચિન ગણાત્રાએ જણાવ્યું હતું.
કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવ અંજારિયા, ડૉ. ક્રિષ્ના ઢોલરિયા, ડૉ. જાનવી ચાવડા, ડૉ. રુચિતા ધુઆ, ડૉ. કોમલ દાફડા, ડૉ. પ્રેમીલા ફફલ, ડૉ. રીતુ પરમાર, હરિભાઇ જાટિયા, પ્રકાશ ઠકકર તથા રોટરી કલબના અતુલ પંડયા, દિલીપ ગોર, મનોજ તન્ના, નરેન્દ્ર દવે, સુનીલ વ્યાસ, ભુપેન મહેતા અને અદાણી ફાઉન્ડેશનના પંક્તીબેન શાહ, માવજીભાઈ બારૈયા, મનહર ચાવડા, વિધિબેન ગોર તથા અશોક સોધમ સહયોગી રહ્યા હતા.