નખત્રાણાના લક્ષ્મીપર ગામે કબ્રસ્તાનની જમીન લીઝ ઉપર આપવાનો મામલો ગરમાયો છે. આ મામલે કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનોએ રૂબરૂ લક્ષ્મીપર ગામની મુલાકાત લઈને કબ્રસ્તાનની જમીનના વિવાદ વાળી લીઝ વિશેની હકીકત જાણી હતી. ગામના કબ્રસ્તાનની બાજુમાં હયાત કબરોમાં લીઝનો વિસ્તાર આવતો હોવાની જાણકારી મળતાં આગેવાનો ચોંકી ઉઠ્યા હતા. આ મુલાકાતમાં મુસ્લિમ સમાજના અગ્રણી આદમભાઈ ચાકી, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા તેમજ સુમરા સમાજના પ્રમુખ અને અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના ઉપ પ્રમુખ હાજી અલાના ભાઈ ભુંગરની સાથે લક્ષ્મીપર ગામના મુસ્લિમ અને હિંદુ આગેવાનો સાથે રહ્યા હતા. કબ્રસ્તાનવાળા વિસ્તારની જમીન અને લીઝ વાળી જમીનનું નિરીક્ષણ કરતી વખતે ગ્રામજનોએ વહિવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા લીઝ ચાલુ કરાવવા માટે ધાક-ધમકી અને દબાણ કરાઈ રહ્યું છે.વહીવટીતંત્ર દ્વારા કરાતાં દબાણને ગામના આગેવાનોએ લોકશાહી માટે લાંછનરૂપ ગણાવ્યું હતું. જો,આ બાબતે તંત્ર મુસ્લિમ સમાજની લાગણીને નહીં સમજે તો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે પણ કોઈ સંજોગે મુસ્લિમ કબ્રસ્તાનમાં લીઝની એન્ટ્રી થવા નહીં દેવાય. જરૂર જણાશે તો લીઝ રદ્દ કરવા માટે લડત ચલાવવાની ચીમકી પણ અપાઈ છે.