સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત નિરોણામાં ખેડુત-વૈજ્ઞાનિક વાર્તાલાપ-તાલીમ કાર્યક્રમ યોજાયો
સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત નિરોણા ગામે નાયબ ખેતી નિયામક(તાલીમ), ભુજ અને એગ્રીકચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા), કચ્છના સંયુક્ત ઉપક્રમે ખેડુત-વૈજ્ઞાનિક વચ્ચે વાર્તાલાપ તેમજ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ડો.કે.ઓ.વાધેલા, નાયબ ખેતી નિયામકે ઉપસ્થિતોને આવકારી ખેડુત તાલીમ કેંદ્ર અને આત્મા યોજના અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નિરોણા સરપંચ સહિત નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિયએ પશુપાલન વિભાગની કલ્યાણકારી યોજનાઓ વિશે જયારે ડો. યુ.એન.ટાંક, સિનિયર વૈજ્ઞાનિક અને હેડ, કૃષિ વિજ્ઞાન કેંદ્ર, મુંદ્રા તેમજ વિષય નિષ્ણાંતોએ ખેડુતોને ખેતી, બાગાયત અને પશુપાલન ક્ષેત્રે તાંત્રિક માર્ગદર્શન આપ્યું હતું.
નિરોણા ગામમાં ખેતી માટેના પાણીની ગુણવત્તા સારી ન હોઇ ખેડુતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વપરાશ ધટાડે અને જૈવિક ખાતર, સેંદ્રિય ખાતર, છાણિયા ખાતર તેમજ ગૌમુત્રનો મહત્તમ ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા, જૈવિક અને ભૌતિક સ્થિતી સુધારી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને સંકલિત પોષણ વ્યવસ્થાપન અપનાવે તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.
નિરોણાનાં સર્વાંગી વિકાસ માટે ખેડુતો સંગઠિત બનીને સરકારની વિવિધ યોજનાનો મહત્તમ લાભ મેળવે તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. શ્રી જયદીપ ગોસ્વામિ, કે..વિ.કે., મુંદ્રા દ્વારા દાડમ અને ખારેક જેવા બાગાયતી પાકોની ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું, જયારે શ્રી કુલદીપ સોજિત્રા, મદદનીશ બાગાયત નિયામકે બાગાયાત વિભાગની યોજનાઓ વિશે માહિતી આપી હતી. ડો. રામાણી,પશુ ચિકિત્સકશ્રીએ પશુરોગો તેમના ઉપચારો વિશે, શ્રી એમ.એ. ચૌધરી, મદદનીશ ખેતીનિયામક(ફાર્મ)એ PM-Kisan યોજના હેઠળ સહાય લાભ મેળવવાની છેલ્લી તા. ૧૫-૦૭-૧૯ હોઇ બાકી રહેતાં તમામ ખેડુત ખાતેદારો ઓનલાઇન અરજી કરે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નિરોણા ગામના ખેડુતોના મુંઝવતાં પ્રશ્નો બાબતે ઉપસ્થિત વૈજ્ઞાનિકશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ. આ તાલીમ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડુતભાઇઓએ રસપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન મેળવ્યું હતું, એમ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-કચ્છ દ્વારા જણાવાયું છે.