મુન્દ્રાના ભદ્રેશ્વર ખાતે ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
માંડવી મુન્દ્રાના લોક લાડીલા ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ખાતે રૂપિયા ૧ કરોડ 3 લાખના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતુ. ત્યારબાદ સારા વરસાદ અંગેની પ્રાર્થના સાથે કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વસઈતીર્થ ખાતે યોજાયેલ સમારંભમાં અધ્યક્ષ સ્થાનેથી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લક્ષમણસિંહ સોઢાએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવું સુદ્રઢ આયોજન સરકારે કર્યુ છે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મા વાત્સલ્ય યોજના, જનની સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના જેવી કલ્યાણકારી વિવિધ યોજનાઓનો લાભ લઈને માતા અને બાળ મરણ અટકાવવા જિલ્લા પંચાયત કટિબદ્ધ છે તેમ જણાવી ટુંક સમયમાં ભદ્રેશ્વરમાં એમ.બી.બી.એસ. ડોક્ટરની નિમણુંક કરવાની ખાત્રી આપી હતી. પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ પોતાના કાર્યકાળ દરમ્યાન જોયેલા સપનાઓ સાકાર થતા જોઈને ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, વિશ્રામભાઈ ગઢવીએ પ્રસંગોચિત પ્રવચનો કરી લોક માંગણી પુરી કર્યા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. ગિરિવર બારીઆએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ તથા આભારવિધિ માજી સરપંચ ઉમર મામધ કુંભારે કરી હતી.
કાર્યક્રમમાં સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ ભુજના વિનોદભાઈ કેવડીયાએ ભદ્રેશ્વર ગામે ૨૧ મી ગ્રામ્ય નોલેજ બેંકની શરૂઆત કરાવતા વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં કોઈ પણ ગામે પાંચ હજારનો લોક ફાળો જમા કરાવવાથી સંસ્થા દ્વારા પાંત્રીસ હજારના પુસ્તકો તથા બે કબાટ પુસ્તકાલય માટે ફાળવવામાં આવશે. જેનાથી ગામડે ગામડે નોલેજ બેંકો ખુલશે અને ભાવી પેઢીને ઉપયોગી થશે. આ માટે શરતોનું પાલન કરવા સાથે ભુજ કેન્દ્રનો સમ્પર્ક કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ચેરમેન શિવુભા જાડેજા, નટુભા ચૌહાણ, રણજીતસિંહ જાડેજા, નશુભા જાડેજા, અશોકભાઈ મહેશ્વરી, કુલદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, જુવાનસિંહ ભાટી, રમેશભાઈ દંડ, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો સહિત ભદ્રેશ્વરના યુવા સરપંચ નિર્મલસિંહ ભરતસિંહ જાડેજા, મુન્દ્રા સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસર, ગુંદાલાના જયેશભાઇ આહીર, વવારના કરશનભાઇ ગઢવી, કુકડસરના શંકરભાઇ રબારી, સમાઘોઘાના વિજયસિંહ જાડેજા વિગેરે અગ્રણીઓ સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે, જિલ્લા પી. આઈ. યુ. શાખાના જાડેજા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી એમ. જી. વાયડા, પી.એસ.આઈ. ચૌધરી સાહેબ, અંજાર તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારીયા, ડો. પ્રેમીલાબેન ફફલ, ડો. ક્રિષ્નાબેન ઢોલરીયા, ડો. રીતુબેન પરમાર, પ્રકાશ ઠકકર સહિત આરોગ્ય ખાતાના અધિકારી-કર્મચારીઓ, આશા બહેનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.