અંજાર તાલુકાના વરસાણા ગામે આવેલી એક્સિસ બેંકના એટીએમમાં ચોરો ત્રાટક્યા હતા. એટીએમને ગેસ કટરથી કાપતા અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ જાગી જતાં ધાડપાડુઓ બોલેરોમાં સવાર થઈ ભાગી છૂટ્યા હતા. ચોરીના પ્રયાસની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને છાનબીન શરૂ કરી દીધી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વરસાણા ગામે આવેલા પીએસએલ કંપની સામેના એક્સિસ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો. સફેદ કલરની બોલેરો જીપ કારમાં છ જેટલા ધાડપાડુઓ ત્રાટકયા હતા. એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પોતાના ચહેરાઓ ન આવે તે માટે સીસી ટીવી કેમેરા ઉપર કલર પિછો મારી દીધો હતો અને ગેસ કટરથી એટીએમ મશીનને કાપવાનો પ્રયાસ કરાયો હતો. સદ્નનસીબે આસપાસના લોકો જાગી જતાં ધાડપાડુઓ આવેલા તે બોલેરોમાં સવાર થઈ નાસી છૂટયા હતા. મોડી રાત્રીના ૩:૩૦ થી ૪ના ગાળામાં બનેલા બનાવથી ચકચાર મચી જવા પામી હતી. ચોરીના બનાવની જાણ પોલીસને કરાતા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા, અંજારના ઈન્સ્પેકટર ભરતસિંહ પરમાર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. એક્સિસ બેંકના એટીએમમાંથી ચોરી થતાં અટકી જતાં બેંક સત્તાધીશો તથા પોલીસ અધિકારીઓએ હાશકારો વ્યક્ત કર્યો હતો.ત્યાં સુધી પોલીસ મથકે સત્તાવાર ફોજદારી નોંધાઈ ન હતી.