અંજાર તાલુકાના લાખાપર ટપ્પર ગામની સીમમાં 4 મોરના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પક્ષીપ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે. તો અબડાસાના નરેડીમાં પણ મોરની હત્યા થઈ છે.બંદૂકના ભડાકે રાષ્ટ્રીય પક્ષીમોરની હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બનાવ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી છે.અંજાર તાલુકાના લાખાપર ગામના સીમાડામાં સાંજના સમયે 3 શિકારીઓએ બંદુકના ભડાકે 3 મોર અને એક ઢેલનો શિકાર કર્યો હતો. બંદુકના ભડાકાનો અવાજ સાંભળીને નજીકના ખેતરમાં કામ કરી રહેલાં વ્યક્તિ સ્થળ પર દોડી ગયા હતા. તે સમયે તેમને જોઈને ત્રણેય શિકારી મોટર સાયકલ પર નાસી છૂટ્યાં હતા.રાત્રીના સમયે બે મોરને રખડતાં શ્વાનો ખાઈ ગયાં હતા. બનાવ અંગે અંજારના રેન્જ ફોરેસ્ટ ઑફિસર પટેલને જાણ થતા વનતંત્રની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે માત્ર મોરના પગ અને પીંછા જેવા અવશેષ બચ્યાં હતા. બનાવ અંગે વનતંત્રએ અજાણ્યા શિકારીઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.દરમિયાન અબડાસા તાલુકાના હિંગરીયા અને નરેડી ગામની વચ્ચે મોરની શંકાસ્પદ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.સ્થળ પરથી લોહીના ડાઘા અને પીંછા મળી આવતા એફએસએલની મદદથી વનવિભાગે તપાસ હાથ ધરી છે.કચ્છમાં અવારનવાર મોરના મોત અને હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે પક્ષીપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઇ છે.