નખત્રાણા તા.નાં પલીવાડની કિશોરીને પાંચ દિવસ સુધી અપાઈ સઘન સારવાર
ભર ઉનાળે સરેરાશ દર ત્રીજા દિવસે સર્પદંશનાં એક કેસને હોસ્પિટલમાં અપાતી સારવાર:
ભુજ તા., કચ્છમાં ઉનાળો બેસતા જ મોટા ભાગે ગ્રામવિસ્તારમાં સાપ કરડવાનાં કિસ્સાઓ સામે આવે છે, પરંતુ મે થી જુલાઈ સુધીમાં તો પુષ્કળ ગરમીને કારણે સર્પદંશનાં બનાવો ચરમસીમાએ પહોંચે છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ગ્રીષ્મ ઋતુમાં સરેરાસ દર ત્રીજા કે ચોથા દિવસે સર્પદંસનો એક કેસ સારવાર માટે આવે છે. અને ઝેરની તીવ્રતા પારખી સારવાર આપવામાં આવે છે. ગત અઠવાડિયે નખત્રાણા તાલુકાનાં પલીવાડ ગામની પંદર વર્ષની શાળાએ જતી કિશોરી અનીષા મજીદને કરડેલા કોબ્રા જેવા સાપનાં ઝેરની માત્રા એટલી વ્યાપક હતી કે, જયારે તેને જી.કે.હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે સંપૂર્ણ બેભાન હતી.ઝેરનાં ફેલાવાને કારણે ફેફસાં તદન શિથિલ થઇ જવાથી ઓક્સિજનનું પ્રમાણ લગભગ શુન્યની નજીક પહોંચી ગયું હોવાને કારણે મૃત્યુ થવાની શક્યતા વધુ હતી . આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ હોસ્પિટલનાં તબીબોએ તેને સતત ૫ દિવસ વેન્ટીલેટર પર લઇ અઠવાડિયા સુધી ન્યુરોસ્ટીગ્મીન જેવી સઘન સારવાર આપી, મૃત્યુનાં દ્વારેથી પાછી લાવવામાં આવી. એસોસિયેટ પ્રોફેસર અને ફીઝીશીયન ડો.દીપક બલદાનીયા અને રેસીડેન્ટ ડો.રૂબી પટેલનાં જણાવ્યા અનુસાર અનીષાની ગંભીર હાલત જોતા સંભવત: કોબ્રા જેવો ઝેરી સર્પદંશ થયો હશે. તે જયારે સ્કુલે જવા બસમાં બેઠી ત્યારે બેભાન થઇ ગઈ. અને તેના વડીલો તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાંથી અત્રે રીફર કરવામાં આવી હતી. અને અહીં ઘનિષ્ઠ સારવાર થતાં જીવતદાન મળી ગયું. ડો. રૂબી પટેલના જણાવ્યા મુજબ જો સાપ કરડવાના કિસ્સામાં એક કલાકની અંદર સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવવામાં આવે તો તાત્કાલિક બચાવી શકાય છે. અને જેમ મોડું થાય તેમ જોખમ વધી જાય છે. જી.કે.માં આ વર્ષે ફેબ્રુઆરીથી જુલાઈ સુધી આવેલા અંદાજે ૮૦ જેટલા સર્પદંશનાં કેસો પૈકી તમામને બચાવી લેવામાં આવ્યા હતા.