અંજાર-ભુજ રોડ નીલકંઠનગરની બાજુમાં કળશ સર્કલ પાસે આવેલા એક ઘરમાં ઘૂસી જઈ બે ઈસમોએ ઘરના કાચ તોડી નાખ્યા હતા અને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી બંદૂકથી ધડાકો કરી નાસી ગયા હતા. આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. અંજારમાં બે દિવસ અગાઉ જમીન મામલે વિવાદ થતાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેના પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ બનાવ બાદ રામજી વેલજી પટેલે પોતાના શેઠની જમીન બાબતે ટોળાં સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં અલીશા હુસેનશા શેખ, યાસીનશા હુસેનસા શેખ, અલીઅસગર શેખ, હાજીશા, ગુલામશા શેખ અને તેની સાથેના ફળિયાના માણસો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. દરમ્યાન આજે બપોરે નીલકંઠનગરની બાજુમાં ભોગીલાલ દાના પટેલની વાડીમાં રહેતા રામજી પટેલના ઘરે બે શખ્સો આવ્યા હતા. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે ઘરે રતનબેન રામજી પટેલ હાજર હતા ત્યારે શકદાર એવા અલીશા શેખ તથા 30થી 35 વર્ષીય એક અજાણ્યા ઈસમે તેમના ઘરે આવી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહ્યું હતું. આ ઈસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાની બંદૂકથી ધડાકો કરી મહિલાને મારી નાખવાની કોશિશ કરી હતી તેમજ મકાનની બારીના કાચ તોડી નાસી ગયા હતા. આ બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જમીન પ્રકરણમાં થયેલી ફરિયાદ મામલે મહિલા ઉપર ફાયરિંગના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.’