કચ્છના પેરિસ ગણાતા બંદરીય નગર મુન્દ્રામાં છેલ્લા ૪૫ વર્ષથી ભાવિ શિક્ષકો તૈયાર કરતી શેઠ લખમશી નપુ ડી. એલ. એડ. (પી. ટી. સી.) કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશતા તાલીમાર્થીઓને પરંપરાગત કુમકુમ તિલક કરી અને ગોળ ધાણાથી મોઢું મીઠું કરાવીને યાદગાર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત કરતા કોલેજના આચાર્ય રમણભાઈ ચાવડાએ નવા આગંતુકોને અભિનંદન આપતા શ્રધ્ધાવાન હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ જણાવીને જીવન ઘડતર કરતી તાલીમી સંસ્થાની ગતિવિધિથી સૌને વાકેફ કર્યા હતા.આર્શીવચન આપતા રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ ભાવિ શિક્ષિકાઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે શિક્ષક હમેંશા સકારાત્મક ઉર્જાથી ભરેલો હોવો જોઈએ અને સ્વયંનું જીવન પ્રકાશિત કરી બાળક રૂપી જયોત પ્રગટાવવાનું ઉમદા કાર્ય શિક્ષકો જ કરી શકે એમ કહી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતની તાલીમી સંસ્થાઓમાં આગવી નામના ધરાવતી મુન્દ્રા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર કુબાવત, કિરીટ જોષી, ડો. કેશુભાઇ મોરસાણીયા તથા રીટાબેન તબિયાડે કોલેજની તાલીમાર્થીઓની ઉજ્જવળ સિધ્ધિઓનો ઉલ્લેખ કરી નવા કીર્તિમાનો સ્થાપિત કરવા આહવાન કર્યું હતું. રફીક સુમરા અને સમીર અધિકારીએ મહેમાનોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. પ્રાચી ગોર અને અક્ષીતા મહેતાના સ્વાગત ગીતે સૌના દિલ જીતી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિકા ડાંગરે કર્યું હતું.