રાપર તાલુકાના વજેપર ગામની સીમમાં રૂા. 2,01,960ની કિંમતના જીરાની 18 બોરીની ચોરી

copy image

copy image

રાપર તાલુકાના વજેપર ગામની સીમમાં આવેલા ગોડાઉનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રૂા. 2,01,960ની કિંમતના જીરાની 18 બોરીની ચોરી કરી હતી . નવાઈની વાત એ છે કે, તસ્કરોએ ચોરી કર્યા બાદ ગોડાઉનને પોતાનું નવું તાળું મારી દીધું હતું. રામવાવ ગામે રહેતા અને વજેપર ગામના વીરલભાઈ ભાણજીભાઈ પટેલની વાડીમાં મેનેજર તરીકે કામ કરતા એક શખ્સે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત તા. 26/5/2026ના સવારે વાડીમાં બે વ્યક્તિ શક્તા રબારી ગોડાઉન પર ગયા હતા, ત્યાં વાડીનો માલસામાન મૂકીને ગોડાઉનને લોક મારી તેઓ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ તા. 29/5/2026ના સવારના અરસામાં જ્યારે આ બંને ફરીથી ગોડાઉન પર પ્લાસ્ટિકના કેરેટ લેવા ગયા, ત્યારે ગોડાઉનના ગેટ પર તેમનું અસલી તાળું નહોતું, પરંતુ કોઈ નવું જ તાળું મારેલું જોવા મળ્યું હતું. આ અંગે તેમણે તાત્કાલિક વાડીના માલિકને ફોન કરીને પૂછપરછ કરી હતી. માલિકે કોઈ નવું તાળું લગાવ્યું ન હોવાનું કહેતાં જ મેનેજરને કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી, જ્યારે નવું તાળું તોડીને ગોડાઉનની અંદર તપાસ કરવામાં આવી, ત્યારે ત્યાં રાખેલો જીરાનો જથ્થો ગાયબ હતો. 18 બોરી જીરું પ્રત્યેક બોરીમાં 60 કિલો, કુલ 1080 કિલો રૂા. 2,01,960નું જીરું અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હોવાનું માલૂમ પડયું હતું. માલિકની સૂચના બાદ આખરે રાપર પોલીસ સ્ટેશને આવીને આ ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી, જેના આધારે રાપર પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.