ઓમાન ઓઇલ ટેન્કરમાં આગ : 24 ભારતીય ફસાયા

copy image

copy image

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષથી ક્ષેત્રમાં સંકટ વધ્યું છે.ત્યારે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યા હતા, જેના અનુસાર ઓમાન તટ પાસે એમટી મેરીવેક્સ નામના જહાજમાં આગ લાગી હતી. આ બનાવમાં 24 ભારતીય ખલાસી ફસાયા હતા. આગનો આ બનાવ કથિત રીતે જહાજ ઉપર હુમલાનાં કારણે બન્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું. બનાવ બાદ ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઇન્ડિયાએ જહાજ ઉપર સવાર 24 ભારતીય ખલાસીની મદદ માટે તાકીદે મદદની માગ કરી છે. યુનિયને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મારફતે ભારતીય અધિકારીઓ અને ભારતીય નૌકાદળ સમક્ષ તાકીદે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. ઓમાન તટે જહાજમાં લાગેલી આગની ઘટના બાદ કેન્દ્ર સરકારે ભારતીયોની સુરક્ષાને લઈને મહત્ત્વની જાણકારી આપી હતી. પોર્ટ, જહાજ પરિવહન અને જળ માર્ગ મંત્રાલયના શિપિંગ ડિવિઝનના ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, રવિવારે બપોરે 1.30 વાગ્યા આસપાસ જહાજમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. શરૂઆતી જાણકારી મુજબ જહાજ ઉપર 24 ભારતીય હતા. ઘટનાની સૂચના મળતા જ સંબંધિત એજન્સીઓ સક્રિય થઈ હતી અને સ્થિતિની દેખરેખ શરૂ કરી હતી. ઓઇલ ટેન્કરમાં આગની ઘટના ખૂબ જ જોખમી માનવામાં આવે છે, કારણ કે  આવા જહાજ ઉપર વિસ્ફોટનું જોખમ રહે છે. ઓપેશ કુમારે કહ્યું હતું કે ઉપલબ્ધ જાણકારીના આધારે જહાજ ઉપરના ભારતીય ખલાસી સુરક્ષિત છે. તેમ છતાં ઘટના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત એજન્સીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને અલગ અલગ મંત્રાલય અને એજન્સીઓને કામે લગાડયા છે. વિદેશ મંત્રાલયને પણ કામગીરી સોંપવામાં આવી છે