૨૧ જૂનના રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લાકક્ષાની તેમજ તાલુકાકક્ષાની ઉજવણીને લઈને અધિક કલેકટર પ્રોટોક્લ શ્રી પ્રણવ વીઠાણી અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા તથા તાલુકાકક્ષાની ઉજવણીના આયોજન અને વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અધિક કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જિલ્લા અને તાલુકાકક્ષાના આયોજન અને વ્યવસ્થાપન અંગે વિગતો મેળવીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સિંગલયુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ કાર્યક્રમ સ્થળ સ્વચ્છતા પર ભાર દેવા ખાસ સૂચના આપી હતી. આ સાથે જિલ્લાકક્ષાના, તાલુકાકક્ષા, મહાનગરપાલિકા તથા નગરપાલિકાના કાર્યક્રમોની તૈયારી અંગે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ ઉપરાંત, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, વીજપુરવઠો, યોગાકોચ અને પ્રોટોકોલ મુજબ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સ્મૃતિવન ખાતે ભુજ ખાતે યોજવામાં આવશે. જ્યારે નખત્રાણામાં ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં જી.એમ.બી.પોર્ટ એરીયા, અંજારમાં શ્રી મૂરલીધર આહિર બોર્ડિંગ, અબડાસામાં આદર્શ કુમાર છાત્રાલય, લખપતમાં પી.એમ.લીંબાણી સ્કૂલ દયાપર, ગાંધીધામમાં રમત-ગમત સંકુલ, મુન્દ્રામાં કોસ્ટ ગાર્ડ સ્ટેશન, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.
આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી , જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિશ્રીઓ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા