ન્યૂ યોર્કમાં માતાને બચાવવા જતાં ભારતીય યુવાને ગુમાવ્યો જીવ
copy image

એક ભારતીય યુવાનના દુઃખદ મૃત્યુએ અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંની એક ગણાતી ન્યૂ યોર્કની ઘોડાગાડી પરંપરા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મળતી મહિતી મુજબ લગભગ બે સદીથી ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્કની ઓળખ બની ગયેલી ઘોડાગાડીઓ હવે બંધ થઈ શકે છે, એવી ચર્ચા જોર પકડી રહી છે. એક તરફ આ પરંપરાને ન્યૂ યોર્કની ઐતિહાસિક ઓળખ માનનારા લોકો છે, તો બીજી તરફ પ્રાણી અધિકાર કાર્યકરો અને કેટલાક રાજકારણીઓનું કહેવું છે કે આધુનિક શહેરમાં આવી વ્યવસ્થાનું હવે કોઈ સ્થાન નથી. 18 વર્ષીય ભારતીય વિદ્યાર્થી રોમાંચ મહાજનના મૃત્યુ બાદ આ ચર્ચા ફરીથી જોર પકડી રહી છે. 17 જૂન, બુધવારના રોજ ભારતનો રોમાંચ મહાજન તેના પરિવાર સાથે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશનની ઉજવણી કરવા ન્યૂ યોર્ક આવ્યો હતો. પરિવાર ખુશી-ખુશી સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીની સવારી માણી રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવર પરિવારનો ફોટો લેવા માટે ગાડીમાંથી નીચે ઉતર્યો અને ઘોડાથી દૂર ગયો. બરાબર એ જ ક્ષણે ઘોડો ગભરાઈને બેકાબૂ થઈને દોડવા લાગ્યો.ગાડી ખૂબ જ ઝડપથી ભાગવા લાગી અને રોમાંચના માતા ગાડીમાંથી નીચે પડી ગયાં. માતાને બચાવવા માટે રોમાંચ ચાલુ ગાડીએ નીચે કૂદી પડ્યો. તેનું માથું જમીન સાથે જોરથી અથડાયું. લોહીલુહાણ રોમાંચને હોસ્પિટલ લઈ જવાયો, પણ બચાવી ન શકાયો. આ અકસ્માતમાં છેલ્લે ગાડી પલટી ગઈ હતી અને પરિવારના અન્ય સભ્યોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો અને ‘સેમ્પસન’ નામના એ ઘોડાને નિવૃત્ત કરી દેવાયો છે.