જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કચ્છમાં દબાણ હટાવવાની ઝુંબેશરૂપ કામગીરી

કચ્છ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ, પ્રાંત અધિકારીશ્રીઓ તથા વિવિધ તાલુકાના મામલતદારો દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની ઝુંબેશરૂપ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત જિલ્લાના ૦૯ તાલુકાઓમાં કુલ ૩૦ દબાણો દૂર કરીને ૨૨,૪૮૫ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૬૭,૬૨,૭૭૦/- જેટલી થાય છે.

દૂર કરાયેલા કુલ દબાણોમાં ૧૧ ધાર્મિક, ૧૭ વાણિજ્યિક તથા ૨ રહેણાંક પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે.

તાલુકાવાર કામગીરીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ ૧૫, નખત્રાણા તાલુકામાં ૩, ગાંધીધામ તાલુકામાં ૨ તેમજ લખપત, મુંદ્રા, માંડવી, ભચાઉ અને રાપર તાલુકામાં પ્રત્યેક ૧-૧ દબાણ દૂર કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકામાં કુલ ૫ દબાણો દૂર કરીને નોંધપાત્ર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન અને જાહેર મિલકતોનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદેસર દબાણો સામેની કામગીરી આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.