મોટી રાયણ ખાતે તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાના હસ્તે કરાયું ધ્વજવંદન

image

માંડવી: તાલુકાના મોટી રાયણ ગામ ખાતે તાલુકા કક્ષાના ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય અને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ ગૌરવવંતા પ્રસંગે માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાના વરદ હસ્તે સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ શાળાના નાના-મોટા ભૂલકાંઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી સભર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કૃતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ તાલુકા કક્ષાના મહત્ત્વના કાર્યક્રમમાં નાયબ મામલતદાર હરેશભાઈ આમના, તાલુકા વિકાસ અધિકારી (TDO) મયુરભાઈ પરમાર, મોટી રાયણ ગામના સરપંચ નવીનભાઈ ગઢવી તથા ગ્રામ પંચાયતના તલાટી રાણશીભાઈ ગઢવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત સભ્ય મંજુલાબેન સીજુ, કોડાય પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.પી. ખરાડી, કોડાય પોલીસ સ્ટાફના જવાનો તથા જી.આર.ડી. (GRD) ના જવાનોએ હાજરી એ આપી હતી.

આ ઉજવણીમાં તાલુકા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, મોટી રાયણ ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.