કચ્છમાં 9મી અને 10મી ઓગસ્ટે ભારે વરસાદ થયો હતો, જેથી ભુજ તાલુકાના બન્ની વિસ્તારના નીચાણવાળા 10 જેટલા ગામડાઓમાં પાણી ભરાયું હતું. જેના પગલે 11મી ઓગસ્ટે સરકારી તંત્રે ગ્રામજનોનું ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરાવ્યું હતું. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ઓસરતા એક બે માસ જેટલો સમય લાગી જતો હોય છે. જે દરમિયાન સ્થળાંતરિત ગામડાના લોકોના બાળકોનું પ્રાથમિક શિક્ષણ ન બગડે એટલે જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળાંરિત સ્થળે ટેન્ટમાં પ્રાથમિક શાળા શરૂ કરાવી હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ બન્ની વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરિક કરાયેલા ગામડાની પ્રાથમિક શાળાઓને સ્થળાંતરિત સ્થળે શરૂ કરવા સૂચવ્યું હતું, જેથી સર્વે કામગીરી શરૂ કરાઈ હતી અને બુધવારે ગુગરગુઈ, છછલા, ભગાડિયા, નાના લુણા, મોટા લુણા, સરાડા, શેરવો, મીઠડી, ભીટારા, ઉધમા ગામડાના સ્થળાંતરિત લોકોના પડાવ સ્થળે 700 જેટલા બાળકો માટે પ્રાથમિક શાળા શરૂ કરી દેવાઈ હતી.જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, બન્ની વિસ્તારમાં મોટે ભાગે માલધારી, પશુપાલકો વસે છે, જેમાંથી 10 જેટલા ગામડા નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાય ત્યારે પશુપાલકો ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરી જતા હોય છે. જેઓ વરસાદી પાણી ઓસર્યા બાદ એક બે માસ પછી મૂળ જગ્યાએ આવતા હોય છે. એ દરમિયાન તેમના બાળકોનું શિક્ષણ બગડતું હોય છે. જે ધ્યાને આવતા વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.10 ગામડાના 700 જેટલા વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો, નોટબૂક સહિતની શૈક્ષણિક સાધન સામગ્રી પહોંચાડી દેવાઈ હતી. એ ઉપરાંત 39 પ્રાથમિક શિક્ષકોને વૈકલ્પિક વ્યવસ્થા સંભાળવા આદેશ પણ કરી દેવાયા હતા. જેઓ વિકટ પરિસ્થિતિમાં પણ સુંદર કામગીરી કરી રહ્યા છે.