ડમ્પરચાલક ચાલતી ગાડીએ મોરમ માટી ખાલી કરી નાસી છૂટયો:ગળપાદર
અહીંના ગળપાદર નજીક ધોરીમાર્ગે રોયલ્ટી પાસ વગર બેફામ દોડતાં ડમ્પરને અટકાવવા જતાં વાહનચાલકે અને તેના સાગરીતે સરકારી કામગીરીમાં રૂકાવટ કરી જાહેર માર્ગ ઉપર મોરમ માટી ખાલી કરી જોખમી કૃત્ય આચર્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી બનાવ અંગે ખાણ-ખનિજ વિભાગે પોલીસ મથકે ફરિયાદદ નોંધાવી હતી. પૂર્વ કચ્છ અંજાર ખાણ -ખનિજ વિભાગની એક ટીમ ગઈકાલે બપોરથી અંજાર મુંદરા ધોરીમાર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન ગાંધીધામના ગળપાદર નજીક પહોંચતાં આગળ-પાછળ નંબરપ્લેટ વગરનું એક ડમ્પર દોડતું જણાયું હતું. આ વાહનમાં હાર્ડ મોરમ ભરેલી હોવાનું જણાતાં ખાણ- ખનિજના કર્મચારીઓએ તેને રોકાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચાલકે પોતાનું વાહન ન રોકી આગળ હંકારી દીધું હતું. સરકારી ટીમે તેનો પીછો કરતાં માથકનો શખ્સે બાઈકથી આવી આ ડમ્પરચાલકને બચાવવાની કોશિશ કરી હતી અને તેમના શેઠના ફોન બાદ વાહનચાલકે હાઈડ્રો કરી મોરમ માટી જાહેર માર્ગ ઉપર ખાલી કરી જોખમી કૃત્ય કર્યું હતું અને બંને નાસી છૂટયા હતા. ખાણ-ખનિજનો સિક્યુરિટી ગાર્ડ આ ને જાણતો હોવાનું તથા તેણે અને તેના પિતાએ તા. 24/8/2022ના પણ ખનિજ ભરેલ વાહનો ભગાડી ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ જગ્યાએથી 40 મેટ્રિક ટન મોરમ માટી મળી આવી હતી. આ શખ્સોએ રૂા. 3,05,490ની સરકારી મિલકતની ચોરી કરી, કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસે માઈન્સ સુપરવાઈઝર ની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં ગાગોદર, બાલાસર, આડેસર, રાપર, ખડીર, ચોબારી, ભચાઉ, શિણાય, તુણા, મીઠી રોહર, વરસામેડી વગેરે જગ્યાએ બેફામ ખનિજચોરી થતી હોવાની વાતો વચ્ચે ખનિજચોરોએ સરકારી કામમાં રૂકાવટ અંગેનો બનાવ બનતાં આવા તત્ત્વો કેટલા બેલગામ બન્યા છે તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા.