નખત્રાણા તાલુકાના લૈયારીથી ઝાલુને જોડતા કાચા રસ્તા પર બાવળનું સામ્રાજ્ય, અકસ્માતનો ભય વધ્યો

નખત્રાણા તાલુકાના લૈયારીથી ઝાલુ ગામે જતા કાચા રસ્તા પર હાલ અત્યંત ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. રસ્તાની બંને બાજુ બાવળીયાઓ અને ઝાડીઓ એટલી હદે વધી ગઈ છે કે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તાની બંને સાઈડ આડી અવળી ઉગી નીકળેલી બાવળની ડાળીઓને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. સામેથી આવતું વાહન દેખાતું નથી અને ઘણી જગ્યાએ અંધળા વળાંક જેવી સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તો અનેક ગામો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે, છતાં તંત્ર દ્વારા તેની સાફ-સફાઈ કરવામાં આવી નથી. રાત્રિના સમયે આ તકલીફ બમણી થઈ જાય છે.

આથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક આ રસ્તા પરથી બાવળીયાઓ અને ઝાડીઓને સાફ કરવામાં આવે અને રસ્તો સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી અકસ્માતનું જોખમ ટળી શકે.